વ્યારાના આર.પી. ચૌહાણ આર્ટ્સ અને કૉમર્સ કોલેજના અધ્યાપકશ્રી ચંદ્રેશભાઇ ભટ્ટનો વિદાય સમારંભ તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો
જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે કોલેજના તેજસ્વી તારલાઓને સન્માનપત્રો આપી પ્રોત્સાહિત કરાયા
…………………
ગુરૂશિષ્ય પરંપરા આજે પણ કોલેજમાં જીવંત છે એમ ખુશી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
…………………
માહિતી બ્યુરો, તાપી,તા.21: તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્રીમતી આર.પી, ચૌહાણ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના ઓડિટોરીયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને કોલેજના અધ્યાપકશ્રી ચંદ્રેશભાઇ ભટ્ટનો વિદાય સમારંભ તથા તેજસ્વી તારલા એવા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જીવનમાં બઢતી, બદલી અને નિવૃતિએ આનંદ અને દુ:ખ એમ મિશ્ર ભાવ દર્શાવતી ઘટના છે. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંભૂ આ વિદાય સમાસંભનું આયોજન કરવામં આવ્યું છે એમ જાણવા મળતા ગુરૂશિષ્ય પરંપરા આજે કોલેજમાં જીવંત છે એમ કહી ખુશી વ્યક્ત કરી હતી. અંતે કલેક્ટરશ્રીએ વયનિવૃત થતા અધ્યાપકશ્રી ચંદ્રેશભાઇ ભટ્ટને સુદિર્ઘ આયુ માટે શુભકામનાઓ પાઠવવાની સાથે વયનિવૃત થતા કારકિર્દી પુરી કરવા માટે અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સેવાનિવૃત થતા અધ્યાપકશ્રી ચંદ્રેશભાઇ ભટ્ટ પોતાની કારકિર્દીના વિવિધ પ્રસંગો યાદ કરતા વિદ્યાર્થીઓ અને કોલજ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની ભાવનાને શબ્દોમાં વ્યક્ત કરતા ભીની આંખે પોતાના પરિવારજનો, કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ, આચાર્યશ્રી, વહિવટી કર્મચારીશ્રીઓ સાથે વિતાવેલી યાદગાર પળોને યાદ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી એચ.કે.ખરવાસિયાએ સ્વાગત પ્રવચન કરતા વયનિવૃત થતા અધ્યાપકશ્રી ચંદ્રેશભાઇ ભટ્ટને શુભકામનાઓ પાઠવી કોલેજમાં ૩૯ વર્ષના આપેલ અમુલ્ય યોગદાનને બિરદાવ્યા હતા. તેમણે વિદાય સમારંભનું સુચારૂ અને સ્વયંભૂ આયોજન કરવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે સહિત કોલેજ પરિવારના હસતે સેવાનિવૃત થતા અધ્યાપકશ્રી ચંદ્રેશભાઇ ભટ્ટને સાલ ઓઢાડી અને વિવિધ ભેટ આપી તેઓને સન્માનિત કર્યા હતા. આ સાથે કલેક્ટરશ્રીએ કોલેજના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા સપ્રેમ લાવવામાં આવેલ કેક કાપી વિદાયસમારંભ પુર્ણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વ્યારા મામલતદારશ્રી હિમાંશુ સોલંકી સહિત કોલેજ પરિવાર અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000000