સુરત ખાતેની મેરેથોનમાં કૌશિકા પટેલ સંદેશાવાહક તરીકે સહભાગી થયા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તાજેતરમાં સુરત ખાતે રોટરી કલબ અને રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતતા તથા સમાજમાંથી ડ્રગ્સનાં દૂષણને નાથવાના શુભ હેતુસર યોજાયેલ આ મેરેથોનમાં ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો તથા ગ્રામ્યજનોએ ભાગ લીધો હતો.
સદર મેરેથોનમાં સાયકલિંગ તથા ટ્રેકિંગમાં આગવું સ્થાન ધરાવતા સુરત જિલ્લા પંચાયતનાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં પી.એસ.ઇ. ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતાં કર્મચારી એવાં કૌશિકા પટેલ મેરેથોનમાં સહર્ષ ભાગ લઇ ખેલદિલ રમતવીરને શોભે એમ દોડનાં શુભાશયનાં વાહક બન્યા હતાં. તેમણે આ પ્રસંગે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાથે ટૂંકી મુલાકાત કરી એમની ઇતર પ્રવૃત્તિઓ સાથે સમાજોત્થાનનાં કાર્યોમાં સહભાગીદારીતાની ચર્ચા કરી હતી. જેને માનનીય શિક્ષણમંત્રીએ યોગ્ય પ્રતિસાદ આપી તેમને આ દિશામાં આગળ વધવાની પ્રેરણા સાથે શુભેચ્છા પાઠવી હતી.