આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આવેદનપત્ર આપી વિવિધ માંગ કરાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકામાં આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નિઝર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી અનેક માંગો રજૂ કરવામાં આવી હતી. નિઝર તાલુકમાં નશાકારક પદાર્થ જેમ કે કેમિકલ યુક્ત તાડી, દેશીદારૂ વગેરે ખુબજ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે.જેના લીધે હાલમાં નાની ઉંમરે મહિલાઓ વિધવા થઈ રહી છે. જે ધ્યાનમાં લઈ તાત્કાલિક નશાકારક પદાર્થ વસ્તુઓને બંધ કરવામાં આવે. ઉકાઈ જળાશયમાં માછલી પકડી ગુજરાન ચલાવતી મહિલાઓની મચ્છી મંડળીની રચના કરવામાં આવે. અને મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવે. પેસા કાનૂનની સમજ તથા જાણકારી પંચાયતના દરેક સભ્ય, સરપંચશ્રીઓ, તલાટીઓ અને પેસા કાયદા અનુસાર અમલીકરણ કરવામાં આવે પેસા કાયદા મુજબ ગ્રામસભા લેવામાં આવે. સરકારી યોજનામાં પંચાયત તરફથી નહીં પરંતુ સાચા લાભાર્થીઓનું સર્વે કરી વિવિધ યોજનાઓમાં ખરેખર લાભ આપવામાં આવે. ગ્રુપ ગ્રામપંચાયતમાં રાયગઢમાં આવતા ગામો હાથનુંર, લેકુલવાડી, નાસરપુરના પુનવસાવટ કરનાર ઘરોને પ્લોટના ૭/૧૨ બનાવી આપવામાં આવે. નિઝર તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટ્રાચારની વ્યાપક વારંવાર ફરિયાદો છતાં પણ તંત્ર તપાસ કેમ કરતુ નથી ? જેથી જિલ્લા કક્ષાની ટીમ નરેગા યોજનામાં તપાસ કરવા આવે અને જે પણ અધિકારીઓ નરેગા યોજનામાં ભ્રષ્ટ્રાચારમાં સામેલ હોય તેવા ભ્રષ્ટ્ર અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે. એવી માંગો કરવામાં આવી છે.