કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ (IFCO)ના સંયુક્ત ઉપક્રમે તા.૧૫/૦૩/૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉઅજવણી કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વિવિધ ગામની કુલ ૨૦૦થી વધુ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને કેવિકે, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ મહિલાઓને આંતરરાષ્ટ્રિય મહિલા દિનની શુભકામના પાઠવી હતી અને તેમણે મહિલાઓને ખેતીકાર્યમાં શ્રમ ઘટે તેવા ખેતઓજારોનો ઉપયોગ કરવા માટે ભાર મુક્યો હતો. તેમણે મહિલાઓને કેવિકે દ્વારા ખેતી, પશુપાલન, ગૃહવિજ્ઞાન ક્ષેત્રે વ્યવસાયિક તાલીમ મેળવી આર્થિક ઉપાર્જન કરવા માટે જણાવ્યું હતું તેમજ ઉપસ્થિત પ્રગતિશીલ મહિલાઓની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમની શરૂઆત ચાકધરા ગામની આદિવાસી મહિલાઓએ પ્રાર્થના નૃત્યથી કરી હતી. ત્યારબાદ કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ આંતરરાષ્ટ્રિય મહિલા દિનનું મહત્વ સમજાવી ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી એન. એમ. ગજેરા, ગુજરાત રાજ્ય વડા, IFCOએ નેનો યુરિયાનો વિવિધ પાકોમાં વિસ્તાર પ્રમાણે વૈજ્ઞાનિક ભલામણ તેમજ વપરાશ સમયે ખેડૂતોએ રાખવામાં આવતી તકેદારીઓ વિષે અસરકારક માહિતી આપી હતી. કેવિકે, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ મહિલાઓનું કૃષિ અને પશુપાલનમાં મહત્વના યોગદાન વિષે ભાર મુક્યો હતો અને તેમણે વધુમાં જણાવેલ કે સ્ત્રી એ સમાજઘડતરની મુખ્ય પાયાની ઇંટ છે. જ્યાં સ્ત્રી સક્ષમ અને સુરક્ષિત નથી હોતી તે સમાજનો વિકાસ શક્ય નથી. માટે દરેક મહિલાઓએ ગૌરવમય જીવન જીવવા માટે ત્રણ બાબતો જેવી કે પોતાના સ્વાસ્થ્ય, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ માટે વધુ ધ્યાન આપવું જોઇએ. વધુમાં, હલકા ધાન્ય જેવા કે નાગલી અને જુવારનો રોજીંદા આહારમાં વધુ ઉપયોગ કરવા માટે ભાર મુક્યો હતો.
IFCOના ફિલ્ડ ઓફિસર શ્રી અંકિતભાઇ પ્રજાપતિ એ IFCO દ્વારા ઉત્પાદિત નેનો યુરિયાનો ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ અને તેની અગત્યતા વિષે સવિસ્તાર માહિતી આપી હતી. IFCOના શ્રી પ્રવિણ ચૌધરીએ સાગરીકા લિકવિડ ન્યુટ્રીઅન્ટની ખેતી પાકોમાં અગત્યતા વિષે માહિતી આપી હતી. વધુમાં, કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પાંચ પ્રગતિશીલ મહિલાઓનું નવસારી કૃષિ યુનિવર્સિટીની પ્રોડકટ નોવેલ પ્લસ (લિકવિડ બોયોફર્ટીલાઇઝર) અને નેનો યુરિયા આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ IFCO કંપની દ્વારા ઉપસ્થિત દરેક આદિવાસી મહિલાઓને વેસ્ટ ડીકમ્પોઝરની બોટલ આપવામાં આવી હતી.
કાર્યકમમાં હરીપુરા અને જામલ્યા ગામની આદિવાસી મહિલાઓએ કોંકણીનાચ, ગામીતનાચ પ્રસ્તુત કર્યો હતો. તેમજ તમામ મહિલા દ્વારા આદિવાસી નાચ પણ કરવામાં આવ્યો હતો. કાર્યકમમાં જીવનવહળ ટ્રસ્ટ, બરડીપાડાના સિસ્ટર ઝોના, સિસ્ટર ચિનામ્મા તેમજ જીવનદીપ મહિલા કો-ઓપરેટીવ મંડળીના પ્રમુખ શ્રીમતી ઇન્દુબેન અને મંત્રી શ્રીમતી મધુબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે, કેવિકે વ્યારાના પશુપાલન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. જીગર બી. બુટાણી,એ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન પાક ઉત્પાદન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. કે. એન. રણાએ કર્યુ હતું.