ઓલપાડ તાલુકાની ધનશેર પ્રાથમિક શાળા ખાતે ઉમંગ એક્ટિવિટી સેન્ટરનો એન્યુઅલ ડે ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : લાસૅન એન્ડ ટુબ્રો કંપની, હજીરા અને ભારત કેર અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે ઉમંગ એક્ટિવિટી સેન્ટરનો એન્યુઅલ ડે ધનશેર ગામ મુકામે યોજવામાં આવ્યો હતો. શાળાનાં અભ્યાસક્રમની બહાર હોય તેવી જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પ્રાવીણ્ય પ્રાપ્ત કરીને બાળકોને તેમનાં કૌશલ્યો, વ્યક્તિત્વ વિકસાવવા, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ વધારવાની તક પૂરી પાડવા માટેનો પ્રોગ્રામ ઉમંગ એક્ટિવિટી સેન્ટર ઓલપાડ તાલુકાની પાંચ શાળાઓ ધનશેર પ્રાથમિક શાળા, તેનાની રાંગ પ્રાથમિક શાળા, અંભેટા પ્રાથમિક શાળા, લવાછા પ્રાથમિક શાળા અને સોંદામીઠા હળપતિ આશ્રમ પ્રાથમિક શાળામાં કાર્યરત છે. આ પાંચેય શાળાનો સામૂહિક એન્યુઅલ ડે ધનશેર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેનાં મુખ્ય મહેમાન તરીકે L & T કંપનીનાં head HR , OE, HE L&T હજીરાનાં મનિષ ગૌર અને L&T હજીરાનાં CSR ડિપાર્ટમેન્ટનાં DGM અલ્પા પટેલ, ઓલપાડનાં માજી ધારાસભ્ય ધનસુખભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, શૈ. મહાસંઘ સુરત જિલ્લાના મહામંત્રી નિલેશભાઈ પંડ્યા, ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ, પિંજરતનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશભાઈ પટેલ, ધનશેર ગામનાં સરપંચ મમતા પટેલ તથા આસપાસનાં ગામોનાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમને મનિષ ગૌર દ્વારા દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પાંચેય શાળાઓની વર્ષ દરમિયાન કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આર્ટ એન્ડ ક્રાફટ, લાઇબ્રેરી રીડિંગ, એજ્યુકેશનલ ગેમ શો પાંચેય શાળાનાં બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત બાળકો દ્વારા નિર્મિત વેસ્ટમાંથી બેસ્ટ અને આર્ટ એન્ડ ક્રાફ્ટનાં નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમનો ચિતાર અલ્પા પટેલે આપ્યો હતો. ત્યારબાદ આ પાંચેય શાળાનાં બાળકો દ્વારા અને એનાં વાલીઓ દ્વારા આ ઉમંગ એક્ટિવિટી સેન્ટરને લઈ શું પરિવર્તન આવ્યું છે એના ફીડબેક આપવામાં આવ્યાં હતાં. જે બાદ આજનાં કાર્યક્રમનાં મુખ્ય મહેમાન એવાં મનીષ ગૌર સાહેબે બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં.
કાર્યક્રમનાં બીજા સેશનમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન લાઈફ સ્કીલ અંતર્ગત ડ્રામા તથા લાઈફ સ્કીલ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા જે આ પાંચેય શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને તેમાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતાં અને સર્ટિફિકેટ ઉમંગ એક્ટિવિટી સેન્ટર દ્વારા આપવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ભારત કેરનાં જીલ શાહે કર્યું હતું. નિર્ણાયક તરીકેની સેવા ડો. સ્મિતા ઘોષ તથા ફાલગુનીબેન પટેલે આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માનસી દેસાઈ તથા ઉમંગ એક્ટિવિટી સેન્ટરનાં પ્રોજેક્ટ મેનેજર આશિત પટેલે ખૂબ જેહમત ઉઠાવી હતી .