તાપી જિલ્લામાં આયુષ વિભાગ દ્વારા કુકરમુંડા ખાતે આગામી ૧૫મી માર્ચે ત્રીજા આયુષ મેળાનું આયોજન
માહિતી બ્યુરો તાપી તા.13 રાજ્યના છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને દિર્ધાયુ પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરીત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાપીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, તાપી દ્વારા આગામી તા:૧૫/૦૩/૨૦૨૩ ને બુધવારના રોજ સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૩:૦૦ કલાક દરમિયાન ત્રીજા આયુષમેળાનું આયોજન કુકરમુંડા તાલુકાના શેઠ એચ.કે. કાપડિયા હાઇસ્કુલ, કુકરમુંડા ખાતે કરવામાં આવ્યું છે.
આયુષમેળા અંતર્ગત મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી પધ્ધતિ દ્વારા એસીડીટી, અપચો, હરસ-મસા, ભગંદર, ચામડીના રોગો, સંધિવાત, ડાયાબિટિસ, થાયરોઇડ, પથરી વગેરે સર્વ રોગોની તપાસ કરી વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવશે. સાથે-સાથે અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સા દ્વારા પેઈન મેનેજમેન્ટ એટલે કે દુ:ખાવાની ગોળી ગળ્યા વગર દુ:ખાવો મટાડવાની સારવાર આપવામાં આવશે. પૌષ્ટિક વાનગીઓના સ્ટોલનું પ્રદર્શન, ઔષધિય વનસ્પતિ અને રસોડાના ઔષધનું પ્રદર્શન, ઋતુચર્યા, દિનચર્યા અને યોગ અંગે માર્ગદર્શન અને સેવાઓ આપવામાં આવશે.
સાંધાના દુખાવા, કમરના દુખાવા, પગની કપાસી., સાયટીકા માટે આયુર્વેદની અગ્નિકર્મ ચિકિત્સા આપવામાં આવશે. જિલ્લાના વધુમાં વધુ નાગરિકો આયુષ મેળાનો લાભ લે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, તાપીએ અખબારી યાદીમાં અપીલ કરી છે.
૦૦૦૦૦૦૦૦૦