આગમી બોર્ડની પરીક્ષા સંદર્ભે તાપી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીના ભાગ રૂપે એકકશન પ્લાન બેઠક યોજાઇ
માહિતી બ્યુરો તાપી તા.01 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સૂચના મુજબ ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ ૨૦૨૩ના આગોતરા આયોજન બાબતે પરીક્ષા સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
જેમાં જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે દ્વારા આ બેઠકમાં સમગ્ર પરીક્ષા દરમિયાન બાળકો ઉપર પરીક્ષાનો ખોટો ભય ઉભો ન થાય,બાળકો પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે હોલ ટિકિટ સાથે પહોંચે, પરીક્ષા સ્થળે પહોચવામાં ખોટી ઉતાવળ ન કરે અને અકસ્માતનો ભોગ ન બને,બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી પરીક્ષા આપે,જાહેર પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે લેવાય,વિધાર્થીઓ નિર્ભયતાથી,આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તથા પરીક્ષાનું સુચારુ સંચાલન થાય તે માટે તાપી જિલ્લાનો માર્ચ 2023 ની પરીક્ષા માટેનો એકશન પ્લાનની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી. બસોના રૂટ યોગ્ય રીતે ચાલે અને જરૂરિયાતે એક્સ્ટ્રા બસની સુવિધા કરવી, પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાય રહે તેવું આયોજન કરવું, પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગરૂમ તેમજ પેપર રવાનગી માટે પુરતો પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવી, તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવી, દરેક પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય સેવાઓ મળી રહે તેવું આયોજન કરવું,સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ -૧ અને વર્ગ – રના અધિકારીઓની નિમણુંક કરવી, પરીક્ષા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર થાય તેમજ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે શરૂ કરાયેલ હેલ્પલાઈન જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં એસ. એસ. સીની પરીક્ષા માટે કુલ 16 કેન્દ્ર તથા 35 બિલ્ડીંગ અને કુલ 369 બ્લોક ફાળવવા આવ્યા છે, જેમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 11033 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા અપાશે.જયારે એચ. એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે તાપી ઝોન- 44 વ્યારા ખાતે કુલ 7 બિલ્ડીંગ અને 78 બ્લોકમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 1593 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તથા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના કુલ 7 કેન્દ્રો 19 બિલ્ડિગો અને 203 બ્લોકમા કુલ 6209 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજરાત માધ્યમિક બોર્ડ,ગાંધીનગર દ્વારા ધો.10 અને ઉચ્ચત્તર (S.S.C) સામાન્યપ્રવાહ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઓ અને માધ્યમિક ધો.12 શિક્ષણ (H.S.C તારીખ:14/03/2023 થી તારીખ:28 /03/2023 દરમિયાન યોજાનાર છે. જેમાં ધોરણ 10 માટે પરીક્ષા સમય સવારે 10:00 થી 13:15 વાગ્યા સુધી રહેશે.જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે સવારે 10:30 બપોરે 1:45 અને બપોરે 3:00 થી 6:15 સુધી તથા ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષા સમય બપોરે 3.00 થી 6:30 સુધીનો રહેશે.
આ બેઠકમાં ડીવાયએસપીશ્રી નાયક,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી જયેશ ચૌધરી,વ્યારા મામલતદારશ્રી એચ.જે.સોલંકી,શિક્ષણ નિરીક્ષકશ્રી ગોવિંદભાઇ ગાંગોડા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પાઉલ વસાવા,એસ. ટી. વિભાગના અધિકારીશ્રી, ડીજીવીસીએલ અધિકારીશ્રી સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000