સરસ મેળો-૨૦૨૩-તાપી જિલ્લાની સખી મંડળની બહેનોએ ભરી સપનાની ઉડાન

Contact News Publisher

અમદાવાદ ખાતે યોજાયેલા સરસ મેળા-૨૦૨૩માં તાપી જિલ્લાની સખી મંડળોએ કરી સરસ કમાણી
……………..
તાપી જિલ્લાના નિઝર તાલુકામાંથી એક અને ડોલવણ તાલુકામાંથી બે સખી મંડળોએ ભાગ લીધો
……………..
નાગલી પ્રોડક્ટ્સ અને હર્બલ સાબુ, અથાણા પાપડએ સૌનું મન જીત્યું, ૮૩ હાજરથી વધુની આવક મેળવી
……………..
-અહેવાલ-વૈશાલી પરમાર
માહિતી બ્યુરો, તાપી, તા.28: ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાતના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વ-સહાય જૂથો(સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી ગત તા. ૧૭ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ના ઉદ્દેશથી ‘સરસ મેળો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોના અંદાજિત ૧૫૦થી વધુ સ્ટોલો પ્રદર્શિત કરવાની સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પણ વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.

આ સ્ટોલ પૈકી તાપી જિલ્લાને ત્રણ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતાં. તાપી જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સંચાલીત મિશન મંગલ શાખા દ્વારા સખી મંડળને અવનવી તાલીમ,સહાય અને વિવિધ લાભો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં અમદાવાદ ખાતેના સરસ મેળા-૨૦૨૩માટે નિઝર તાલુકાના સરવાલા ગામની ‘સ્વામી વિવેકાનંદ સખી મંડળ’ જેના દ્વારા રોસ્ટેટ ઘઉ,મર્ચા પાઉડર,નાગલી પાપડની બનાવટો પ્રદશિત કરી હતી. ડોલવણ તાલુકાના રેગણકચ્છ ગામની ‘સહયોગ સખી મંડળ’ જે હર્બલ સાબુ બનાવવા માટે સમગ્ર તાપી જિલ્લામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ડોલવણ તાલુકાના બેસનીયા ગામની ‘નાહરી સખી મંડળ’ દ્વારા નાગલીની વિવિધ પ્રોડક્ટ જેમાં નાગલીનો લોટ, પાપડ, પાપડી, લાલ કડાના ચોખા, બ્લેક રાઇસ, અડદ દાળ વિગેરે પ્રોડક્ટનું વેચાણ અને પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા મળતી માહિતી અનુસાર સ્વ-સહાય જૂથની મહિલાઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની ચિજ વસ્તુઓના બનાવટને વેચાણ અને પ્રદર્શિત કરવાના ઉદ્દેશનો પુરેપુરો લાભ તાપી જિલ્લાની સખી મંડળોએ લીધો છે. આ મેળામાં બહેનોએ વિવિધ પ્રોડક્ટ દ્વાર ખુબ સરસ ક્માણી કરી તાપી જિલ્લાની તમામ બહેનોને પ્રોત્સાહિત કરી છે. જેમાં સ્વામી વિવેકાનંદ સખી મંડળ દ્વારા પ્રથમ દિવસે રૂપિયા ૨૬૦૦ અને સમગ્ર મેળા દરમિયાન કૂલ-૩૫,૬૦૦ની આવક મેળવી હતી. આ સાથે સહયોગ સખી મંડળ દ્વારા પ્રથમ દિવસે રૂપિયા ૧૭૦૦ અને સમગ્ર મેળા દરમિયાન કૂલ-૨૨,૧૮૫ની આવક જ્યારે નાહરી સખી મંડળ દ્વારા પ્રથમ દિવસે રૂપિયા ૨૨૦૦ અને સમગ્ર મેળા દરમિયાન કૂલ-૨૫,૭૦૦ની આવક મેળવી હતી. આમ, ત્રણ સખી મંડળોની પ્રથમ દિવસની આવક રૂપિયા ૬૫૫૦ અને સમગ્ર મેળા દરમિયાન રૂપિયા ૮૩,૪૮૫ની આવક મેળવી આર્થીક રીતે લાભાન્વિત થયા હતા.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેના થકી દેશના ખુણે ખુણે વિવિધ પ્રદર્શન અને મેળાઓનું આયોજન કરી અનેક રાજ્યોની બહેનો દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે એક-બીજાને જાગૃત કરવાની સાથે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રોડક્ટને પ્રદર્શિત કરવાની સુવર્ણ તક મળે છે. તાપી જિલ્લાની બહેનોએ આ તક ઝડપીને સપનાની ઉડાન ભરી છે. આ સરસ મેળામાં સરસ કામણી કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *