વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દેગામનાં 23 દિવ્યાંગ બાળકોએ આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે ભાગ લીધો
રન એન્ડ રાઇડર 13 સુરતનાં દોડવીર અશ્વિન ટંડેલે પેશર તરીકે બખૂબી કામગીરી નિભાવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ટ્વીન સીટી ક્લિનિક, વાપી દ્વારા વાપી મેરેથોન અંતર્ગત 5, 10 અને 21 કિમીની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ ઓકે ફાર્મા, યામાહા મોટર બાઇક્સ, ટાઈમિંગ ટેકનો, વિનલ લોજિસ્તિક્સ, સવિસંક ફાઉન્ડેશન, સંધ્યા સુપર નેચૂરલ જેવાં સૌજન્ય આધારિત આ દોડમાં 3 કિમીની સ્પેશ્યલ કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, દેગામનાં 23 દિવ્યાંગ બાળકો તેમજ જય અંબે સ્કૂલ, ચીખલીનાં અંદાજીત 40 વિદ્યાર્થીઓ તથા તેમનાં શિક્ષકોએ ભાગ લીધો હતો. તેમની સાથે આયોજક મિત્રોનાં આહવાનથી ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબનાં 20 જેટલાં દોડવીરોએ સહર્ષ ભાગ લીધો. ગુરુજી નરેશ નાયક દ્વારા પેશર તરીકે છ મિત્રોને સોંપવામાં આવેલ નેતૃત્વ માટેની કામગીરી પૈકી રન એન્ડ રાઇડર 13 સુરતનાં દોડવીર અશ્વિન ટંડેલે 21 કિમી પેસિંગ 02:15 કલાકમાં પૂર્ણ કરી હતી. આ દોડ દરમિયાન તેઓ ધીમા પડી ગયેલા કે થાક અનુભવતા દોડવીરોને પ્રોત્સાહિત કરી જોશ આપતાં રહીને તમામ પેસર્સ મિત્રો સાથે સોંપાયેલ કામગીરી બખૂબી નિભાવી હતી.
સદર દોડમાં વ્હીલ ચેર રનર સુરેન્દ્ર કંસારે (નેશનલ વ્હીલ ચેર ક્રિકેટ પ્લેયર) અને દિવ્યાંગ બાળકો ભૂરફૂડ સચિન, ખૂરકુટિયા પ્રવીણ તથા પટેલ દિવ્યેશે આકર્ષણ જમાવ્યું હતું. શારીરિક ક્ષતિ હોવાં છતાં ભરપૂર આત્મવિશ્વાસ અને સાહસથી સાજાને પણ શરમાવે એવો ઉત્સાહ આ દોડવીરોએ દર્શાવ્યો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકે આવનાર દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહનરૂપે ટ્રોફી તેમજ ચેકથી નવાજવામાં આવ્યા હતાં.
‘ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોજ’ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટનાં આ નારા સાથે ઝુંબા ડાન્સ અને દોડની અનેરી મજા દોડવીરોએ લીધી હતી. આ તકે નાગરિકોને તંદુરસ્તી જાળવવા માટે ચાલવું , દોડવું કે સાયકલ ચલાવવી જેવી પ્રવૃત્તિ વિશે સમજ આપવામાં આવી હતી. આરોગ્યપ્રદ જીવન વિતાવવા આ મુજબની પ્રવૃત્તિઓ કરી સમાજને એક સ્વસ્થ નાગરિક સાંપડી શકે અને જેનાંથી તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. એવાં શુભ સંકલ્પસહ આજની આ દોડ દેશનાં સૈનિકોને સમર્પિત કરવામાં આવી હતી.