ડાંગ જિલ્લાના કુકડનખી ગામેથી ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: 17: રાજ્યમા ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો આજથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યવ્યાપી પ્રારંભ કરવામા આવ્યો છે. જેને સમાંતર જિલ્લાઓમા પણ આ કાર્યક્રમોનો શુભારંભ થતા,ડાંગ જિલ્લાના કુકકડનખી ગામે ધારાસભ્ય તેમજ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતીમા ખાપરી નદી ઉપર ચેકડેમ રિપેરીંગ તેમજ તળાવ ઊંડું કરવાના કામ સાથે “જળ સંચય અભિયાન-2023” નો શુભારંભ કરાયો છે.

આ પ્રસંગે દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વરસાદી પાણીનો સંચય થાય તે હેતુસર સરકારશ્રી દ્વારા જળ સંચય અભિયાનનો શુભારંભ કરવામા આવ્યો છે. જળ સંચય અભિયાનથી કુવા તળાવ રિચાર્જ થશે. જે પાણીનો લાભ પીવા તેમજ ખેતીના માટે ઉપયોગી થશે.

ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમા જળ સંગ્રહ કાર્યક્રમો યોજાનાર છે. જેનાથી 400 થી વધુ હેકટર જમીનને ખેતીનો લાભ મળશે. આ ઉપરાંત ચેકડેમ ડીસિલ્ટીંગની કામગીરીથી સ્થાનિક લોકોને રોજગારી મળશે. સાથે જંગલ વિસ્તારમા તળાવ ઊંડું કરવાની કામગીરીથી સ્થાનિક લોકો સહિત વન્યજીવોને પણ પાણીનો લાભ મળશે તેમ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ.

ભૂતકાળમા ફક્ત ચોમાસુ ખેતી પર નિર્ભર રહેતા ડાંગના લોકો હવે સુજલામ સુફલામ યોજનાથી ચિંચાઈ આધારિત ખેતી કરી આગળ વધશે.

સરકારશ્રી દ્વારા આ યોજનાથી પોતાના ગામમા તળાવ ઊંડું કરવાની કામગીરીની સ્થાનિક સરપંચ શ્રી સંકેતભાઈ બંગાળે સરાહના કરી હતી.

*સુજલામ સુફલામ જળ અભિયાનના ફાયદા*

આ અભિયાનથી ભુગર્ભ જળના સ્તર ઉંચા આવશે. જળ સંગ્રહ વધશે. ખોદકામ તથા ડીસિલ્ટીંગની કામગીરીથી નીકળનાર માટી, કાંપનો ઉપયોગ ખેડુતો પાતાના ખેતરમા કરશે. પર્યાવરણમા સુધારો થશે, અને ખેત ઉત્પાદનમા પણ વધારો થશે.

*સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ડાંગ જિલ્લાની કામગીરી*

ભુતકાળના વર્ષ 2019મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ચેકડેમ રીંપરીંગ, ચેકડેમ ડીસીલ્ટીંગ, ખેત તલાવડી, નવા ચેકડેમ, સંપ સફાઇ કામો મળી કુલ 249 કામો કરવામા આવ્યા હતા. જેના થકી કુલ 165.5 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવામા આવ્યો છે. વર્ષ 2020મા 209 કામો કરવામા આવ્યા, જેના થકી કુલ 105.5 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવામા આવ્યો છે. વર્ષ 2021મા 196 કામો કરવામા આવ્યા હતા, જેના થકી કુલ 152.0 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવામા આવ્યો છે. વર્ષ 2022મા 194 કામો કરવામા આવ્યા, જેના થકી કુલ 169.45 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવામા આવ્યો છે.

*વર્ષ 2023મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કરવામા આવનાર કામગીરી*

જળ સંપત્તિ વિભાગ દ્વારા ડાંગ જિલ્લામા ચેકડેમ રિપેરીંગ અને ઉંડા કરવાનુ તથા સંગ્રહ તળાવ રિપેરીંગ અને ઉંડા કરવાના કામ મળી કુલ 93 કામો રૂ. 1243.46 લાખના ખર્ચે કરવામા આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વાર એરવાલ્વ રિપેરીંગ, સંપ, ટાંકાની સફાઇના કુલ રૂ.3.85 લાખના 27 કામો કરવામા આવશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ ચેકડેમ ડીસીલ્ટિંગના અને ખેત તલાવડીના કુલ રૂ.161.80 લાખના કામો કરવામા આવશે, જેના દ્વારા 51.25 લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. તેમજ વન વિભાગ દ્વારા નવીન ચેકડેમ,ચેકવોલ અને વન તલાવડી બનાવવાના કુલ રૂ.64.71 લાખના 17 કામો કરવામા આવશે, જેના થકી વન્ય પ્રાણીઓને પીવાના પાણીનો લાભ મળશે.

આમ વર્ષ 2023મા રૂ.1513.42 લાખના ખર્ચે 244 કામો કરવામા આવશે, જેના થકી 250 લાખ લીટર પાણીનો સંગ્રહ થશે અને 485 હેક્ટર કરતા વધુ સિંચાઇનો લાભ મળશે.

કુકડનખી ગામે સુજલામ સુફલામ કાર્યક્રમ પ્રંસગે સ્થાનિક પદાધિકારીઓમા તાલુકા પંચાયત સદસ્ય શ્રી સંજયભાઈ, સરપંચ શ્રી દિનેશભાઇ, શ્રી મંગલેશભાઈ ભોંયે, તેમજ પ્રાંત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ જોષી, જિલ્લા ગ્રામ જિલ્લા વિકાસ એજન્સી નિયામક શ્રી શિવાજી તબિયાડ, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર શ્રી હેમંત ઢીમ્મર, સિંચાઈ ના કાર્યપાલક ઈજનેર શ્રી આર.આર.ગાવિત તેમજ સંબંધિત અધિકારી/કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *