વ્યારા કોલેજમાં ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનું બે દિવસનું ૨૮ મું અધિવેશન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરતના માનનીય વાઈસ ચાન્સેલરશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબના અધ્યક્ષસ્થાને વ્યારા કૉલેજ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની વિવિધ યુનિવર્સીટીના અધ્યાપકો અને પી.એચ.ડી. કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ શબ્દોથી મહેમાનોને આવકારી શક્તિશાળી ભારતના નિર્માણમાં સામાજિક સમરસતાના શ્રેષ્ઠ ગુણો અને સંસ્કારો સર્વે ભારતવાસીઓમાં મજબુત બને અને તે માટે સમાજશાસ્ત્રના અભ્યાસુઓનું યોગદાન ખુબ મહત્વનું હોય છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
સમારંભના અધ્યક્ષ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાતના માનનીય વાઈસ ચાન્સેલરશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબે વ્યારા કૉલેજની શૈક્ષણિક અને રમત-ગમતની વિશિષ્ટ સિધ્ધિઓને બિરદાવી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ વર્તમાન સમયની માંગને અને અનિવાર્યતા તથા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નાનામોટા સર્ટીફિકેટ કોર્ષ શરુ કરી વિદ્યાર્થીમાં રહેલી પ્રતિભાને બહાર લાવે તેવા કૌશલ્ય વર્ધક અભ્યાસક્રમો શરુ કરવા જોઈએ કે જેથી બેરોજગારીની સમસ્યા હળવી બની શકે એમ જણાવી વર્તમાન સમયમાં સમાજશાસ્ત્ર વિષયનું મહત્વ અને અનિવાર્યતાની વિસ્તૃત જાણકારી આપી હતી. સમારંભના મુખ્ય મહેમાન અને તાપી જીલ્લાના નવનિયુક્ત વિજેતા ધારાસભ્યશ્રીઓ અને વ્યારા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી માનનીય ડૉ. જયરામભાઇ ગામીત તથા માનનીય મોહનભાઈ કોંકણીએ વ્યારા કોલેજના પોતાના વિદ્યાર્થીકાળના દિવસોની યાદ તાજી કરી જીવનમાં અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીકાળમાં આગળ વધવા શિક્ષણની સાથે સાથે શિસ્ત અને સંસ્કાર તથા ગુરુજનો પ્રત્યે આદર જેવા ગુણોની ખુબ અનિવાર્યતા છે એમ જણાવી અમારામાં સેવા અને નેતૃત્વના ગુણો કેળવવામાં વ્યારા કોલેજ પરિવારનું ઘણું યોગદાન રહ્યું છે એમ જણાવી કોલેજને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાની લાગણી વ્યક્ત કરી હતી.
સમાપન સમારોહના અધ્યક્ષ અને વ્યારા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી રુચિરભાઈ દેસાઈએ વ્યારા કૉલેજ પરિવાર દ્વારા અમોને ખુબ માનભર્યું સ્થાન આપ્યું છે એમ જણાવી આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી ઉચ્ચશિક્ષણમાં સંશોધન પ્રવૃત્તિનું ખુબ મહત્વ છે તથા નવા નવા સંશોધનો થકી સમાજ અને વિદ્યાર્થીઓની જ્ઞાનની ભૂખને સંતોષી શકાય છે એમ જણાવ્યું હતું. સમાપન સમારોહના મુખ્ય મહેમાન વ્યારા નગરપાલિકાના ઉપપ્રમુખ તથા વ્યારા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના ઉપપ્રમુખ શ્રી સુધીરસિંહ ચૌહાણે વર્તમાન સમયમાં જ્ઞાનનો વિસ્ફોટ થયો છે તથા દરેક ક્ષેત્રમાં સ્પર્ધાઓ વધી રહી છે ત્યારે આજનો વિદ્યાર્થી સ્પર્ધામાં ટકી શકે તે માટે આવા અધિવેશન ખુબ જ ઉપયોગી બનશે એમ જણાવી સામાજિક સમરસતાની ઉદાહરણો સહીત વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપ્યા હતા. ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના ઉપપ્રમુખ પ્રા. ડૉ. રાજેન્દ્ર જાની સાહેબે બે દિવસીય અધિવેશનમાં વ્યારા કોલેજની મહેમાનગીરી, ભોજન અને નિવાસ સુવિધાઓ અને નાનામાં નાની બાબતોની રાખવામાં આવેલી કાળજીની પ્રશંસા કરી કોલેજ પરિવાર અને સંચાલક મંડળ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
બે દિવસના આ અધિવેશન દરમ્યાન પ્રા. ડૉ. દક્ષાબેન વ્યાસ, પ્રા,ડૉ. મધુભાઈ ગાયકવાડ, પ્રા. જયસિંહ ઝાલા, પ્રા. ડૉ. કે.સી. રાવલ, મા.શ્રી ડાહ્યાભાઈ વાઢું, પ્રા.ડૉ. વિમલ ત્રિવેદીના જ્ઞાનવર્ધક અને માહિતીસભર વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુલ ૧૧૪ જેટલા શોધપત્રો વિવિધ શોધાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી. પદવી મેળવનાર, નેટ સ્લેટ તથા જીસેટની પરિક્ષા પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અધિવેશનને સફળ બનાવવા સ્થાનિક કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા. ભાવનાબેન બેન્દ્રે, ડૉ.દયારામભાઈ મહાલે, ડૉ. દિવ્યાબેન ગામીત, કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓએ ખુબ મહેનત અને ઉત્સાહ દાખવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. મેરુભાઈ વાઢેળે કર્યું હતું. આભારવિધિ પ્રા. ભાવનાબેન બેન્દ્રેએ કરી હતી.