આદર્શ કન્યા શાળા સોનગઢ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો
માહિતી બ્યુરો તાપી તા.૦૨ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત આદર્શ કન્યા પ્રાથમિક તથા ઉચ્ચતર પ્રાથમિક શાળા સોનગઢ દ્વારા સિનિયર સિટીઝન હોલ ખાતે વાર્ષિક ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના ઉદ્ઘાટક અને મુખ્ય અતિથિ એવા સોનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એસ.બી પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે સોનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એસ.બી પરમાર દ્વારા કન્યા શાળાની દીકરીઓએ ખૂબ આગળ વધવા અને જીવનમાં યોગના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. શાળા પરિવારને આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા આવ્યા હતા.
શાળાના આચાર્યશ્રી જાનવીબેન દ્વારા સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કરવામાં આવી હતી. તથા ચીમકુવા શાળાના આચાર્યશ્રી પ્રદીપ કુમાર ચૌધરીએ પણ પ્રેરણામય વાતો કરી સૌને સંબોધ્યા હતા અને શાળા પરિવાર સાથે “મા બાપ ને ભૂલશો નહિ”સુંદર ભાવગીતની પ્રસ્તુતિ આપી હતી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી શૈલેશભાઈ તથા એલિસાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.આ રંગારંગ કાર્યક્રમમાં પ્રાર્થના ગીત, દેશભક્તિ ગીત,ક્લાસિકલ ડાન્સ,નાટક, વાર્તા,ગરબા, આદિવાસી નૃત્યની એક થી એક ચઢીયાતી કૃતિઓએ સૌના મન મોહી લીધા હતા.બાળકોને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.
ઉપરાંત તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઈ ચૌધરીએ ફોનકોલ દ્વારા શાળાપરિવાર અને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.
આં પ્રસંગે મોટી સંખ્યામાં વાલીગણ,વિદ્યાર્થીઓ,આમંત્રિતો, એસએમસી ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પરિવાર એ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી. એસએમસી તથા પધારેલ સૌએ સમગ્ર કાર્યક્રમની ભરપૂર પ્રશંસા કરી શાળા પરિવાર અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં બાળકો,વાલીઓ અને તમામ શાળા પરિવારે અલ્પાહાર લઈ છુટ્ટા પડ્યા હતા.
00000