રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ દ્વારા પાણી પુરવઠાના પ્રશ્નો અંગે સોનગઢ ખાતે લોકસંવાદ યોજાયો

Contact News Publisher

તાપી નદી પર કાકરાપાર આડબંધ આધારિત ઉત્તર સોનગઢ તથા પુર્વ સોનગઢ નવિન જુથ પાણી પુરવઠા યોજનાના પ્રચાર પ્રસાર અંગે લાભાર્થી ગામો સાથે લોકસંવાદ યોજાયો
………………
કામમા કોઇ કચાસ ન રહે, ગુણવતાયુક્ત કામ થાય તેની ખાસ તકેદારી રાખવા અનુરોધ કરતા રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ
……………….
માહિતી બ્યુરો, તાપી,તા: ૨૭ આજે આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ દ્વારા તાપી નદી પર કાકરાપાર આડબંધ આધારિત ઉત્તર સોનગઢ તથા પુર્વ સોનગઢ નવિન જુથ પાણી પુરવઠા યોજનાના પ્રચાર પ્રસાર અંગે સોનગઢ તાલુકાના પીપળ ગામે 11 ગામના લાભાર્થીઓ સાથે લોકસંવાદ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ સૌ ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા સોનગઢ તાલુકાના 11 ગામોના 44 ફળિયા માટે 43.88 લાખ કરોડની માતબાર રકમ આપણા વિસ્તાર માટે ફાળવવામાં આવી છે. જેનાથી 11 ગામના 22,309 નાગરિકોને સીધો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે, મે આ વિસ્તારના મંત્રી તરીકે 365 દિવસ ગ્રામજનો માટે કામ કરવાનો પ્રણ લીધો છે. આ યોજનામાં સોનગઢ તાલુકાનો તમામ ઉત્તરનો પટ્ટો આવરી લેવામાં આવેલ છે. આ ઉપરાંત તેમણે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની સરાહના કરતા જણાવ્યુ હતું કે, વિશ્વમાં કોઇ એવો પ્રધાનમંત્રી નથી જે પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેઓને ચિંતા મુક્ત કરે. અંતે તેમણે સખી મંડળની યોજનાઓ દ્વારા બહેનોને પગભર કરવા અંગે તથા નિઝર અને ઉકાઇ માટે આઇટીઆઇ મંજુર કરવામાં અંગે, તથા ખેડૂતો માટે મંડળીઓ રચવાના અયોજન અંગે ચર્ચા કરી સૌને માહિતગાર કર્યા હતા. તેમણે કામમા કોઇ કચાસ ન રહે, ગુણવતાયુક્ત કામ થાય તેની ખાસ તકેદારી રાખવા પર ભાર મુક્યો હતો.

વધુમાં તેમણે તાપી જિલ્લાના નાગરિકોને જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા જેવા પ્રેક્ટીકલ, અને આ વિસ્તારના નાગરિકોને યોજનાકિય લાભો મળી રહે તે માટે સવિશેષ ધ્યાન રાખતા અધિકારીઓ મળ્યા છે એમ જણાવી સરાહના કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇને માઇક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવેલ છે. જેમાં પાણી પુરવઠા અને નલ સે જલ યોજનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામે-ગામ સર્વે કરવામાં આવશે. તથા જે એજન્સીઓ યોગ્ય રીતે કામગીરી કરતી ન હોય તેઓને બ્લેક લીસ્ટ કરવા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે ઉનાળામાં ખાસ તકલીફ થતી હતી. જેના હલ રૂપે જુથ પાણી પુરવઠા યોજના હેઠળ 11 ગામોમાં પાણી પહોંચાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તાપી નદીમાં 25 ફુટ ઊંડો કુવો ખોદવામાં આવશે. જેમાંથી પાણી ઉપાડી આર.ઓ પ્લાન્ટ દ્વારા ફિલ્ટર કરી મુખ્ય-મુખ્ય જગ્યાએ તૈયાર કરેલ ટાંકીઓમાં પહોચાડવામાં આવશે. ત્યાર બાદ આ ટાંકીઓને નલ સે જલ યોજના હેઠળ ભુગર્ભ પાઇપ લાઇન દ્વારા ગ્રામજનોના ઘર ઘર પહોચાડવામાં આવશે. આ યોજના ઝડપથી અને ગુણવત્તા યુક્ત કામગીરી દ્વારા પુરી કરવામાં આવશે. આ યોજના બાદ સોનગઢ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થશે. અને 24 કલાક પાણી મળી શકશે એમ વધુમાં ઉમેયું હતું.

આ પ્રસંગે શિક્ષણ સમિતીના ચેરમેન સરિતાબેન વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આટલી મોટી યોજનાનો લાભ આપણા વિસ્તારને મળે છે ત્યારે આપણે સૌ સરકારશ્રીના આભારી છીએ.

પાણી પુરવઠા વિભાગના કા.પા.ઇ. શ્રી પી.બી.વસાવા દ્વારા ઉત્તર અને પુર્વ સોનગઢ નવિન જુથ પાણી પુરવઠા યોજના અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જુથ પાણી પુરવઠા યોજના દ્વારા ઉત્તર અને પુર્વ સોનગઢના 75 ગામો છે. જેમાંથી 11 ગામો અને 44 ફળીયાઓ મળી 43.88 કરોડની યોજના મંજુર થયેલ છે. જેમાં તાપી નદીનું પાણી ફિલ્ટર કરી 140 કીમી લાંબી પાઇપ નાખી પાણી પહોચાડવામાં આવેશે. આ સાથે દરેક ફળિયાએ ફિલ્ટર પાણીના સંગ્રહ કરવા ટાંકીઓ દ્વારા સમયાંતરે પાણી નાગરિકોને પહોચાડવામાં આવશે.

આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન સરિતાબેન વસાવા, પ્રાયોજના વહિવટદારશ્રી અંકિતા પરમાર, સોનગઢ મામલતદારશ્રી ઢિમંર, વાસ્મો વિભાગના અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સરપંચશ્રી સુધાબેન ગામીત સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other