સોનગઢ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અઘ્યક્ષ સ્થાને ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જાગૃત ગ્રાહક એ જ ખરા અર્થમાં બજારનો રાજા છે અને એજ આ કાયદાની ખૂબ મોટી સફળતા છે- : કલેકટર સુશ્રી ભાર્ગવી દવે
માહિતી બ્યુરો વ્યારા તાપી તા.૦૭ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, ગુજરાત રાજ્ય કન્ઝયુમર્સ એફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત (કા.પા.ગ.) તાપી જીલ્લા કલેક્ટરશ્રી પ્રેરિત તથા દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોઘન કેન્દ્ર તાપી/સુરત જિલ્લા (સરકારશ્રી ની માન્ય સંસ્થા) દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા ૧૯૮૬ અને ૨૦૧૯ અંગે જાગૃતિ માર્ગદર્શન અને ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ ઉજવણી તાપી જિલ્લાના સોનગઢ કોલેજ ખાતે કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અઘ્યક્ષ સ્થાને તથા તાપી જિલ્લાના પૂર્વ કલેક્ટર શ્રી આર.જે.પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ ગ્રાહક દિવસની ઉજવણીને અનુલક્ષીને સોનગઢની સરકારી વાણિજ્ય વિનિયન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પ્રચાર-પ્રસારના માધ્યમથી ગ્રાહક કે ઉપભોક્તા દિવસ ઉજવવાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે એ ગ્રાહક સુરક્ષા વિશે વધુ જાણકારી અપાતા જણાવ્યું હતું કે વિશ્વ ગ્રાહક દિવસ દર વર્ષે 15મી માર્ચે ઉજવવામાં આવે છે જ્યારે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ દર વર્ષે 24 ડિસેમ્બર ઉજવવામાં આવે છે. આ બંને ઉજવણીઓનું હેતુ એક જ સમાન છે કે ગ્રાહકોના હકનું રક્ષણ અને સંવર્ધન કરવું. ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ પ્રકારની વસ્તુઓ કે સેવાઓની ગ્રાહકોને સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ.આજ બાબત રાષ્ટ્રીય ગ્રાહક દિવસના અસ્તિત્વને મહત્વપૂર્ણ બનાવે છે.ગ્રાહકોની તકરારનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ પૂરૂં પાડવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અર્ધ-ન્યાયિક તંત્ર રચવામાં આવ્યા છે.
ગ્રાહક સુરક્ષાનો કાયદો ગ્રાહકને સલામતીનો હક, માહિતગાર થવાનો હક, પસંદગી કરવાનો હક, રજૂઆત કરવાનો હક, છેતરપિંડી સામે ફરિયાદ કરવાનો હક અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો હક આપે છે. તેથી જાગૃત ગ્રાહક એ જ ખરા અર્થમાં બજારનો રાજા છે અને એજ આ કાયદાની ખૂબ મોટી સફળતા છે. વધુમાં કલેક્ટર સુશ્રી દવેએ ઉમેર્યું હતું કે તાપી જિલ્લાનુ કાર્યક્ષેત્ર હાલ સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સાથે જોડાયેલું છે.
આ ઉપરાંત કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ સોનગઢ ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર અને નિયમિત આરોગ્ય ચકાસણી કરાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામની પ્રા.શાળા અને આરોગ્યકેન્દ્ર રાણીઆંબાની મુલાકાત કરી બાળકોને ખીર પુરી તીથિ ભોજન પિરસ્યુ હતું. આ ઉપરાંત વ્યારા ખાતે કાલિદાસ હોસ્પિટલની મુલાકાત કરી કોવિડ 19 અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
0000000000000