જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2022-23 યોજાયો
“ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા મહાકુંભ, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખવાની તક મળે છે.”:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા
………….
માહિતી બ્યુરો તાપી, તા.28: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-તાપી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તાપી અને જ્ઞાનદિપ વિધાલય ઉચામાળાના સંયુકત ઉપક્રમે આજે તાપી જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૨-૨૩નું આયોજન વ્યારા તાલુકાની જ્ઞાનદિપ વિધાલય ઉંચામાળા ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાએ આજના પ્રદર્શનની સરાહનાં કરતાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ બાળકોની પ્રતિભાને બહાર લાવવાનો છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા મહાકુંભ, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો થવા ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખવાની તક મળે છે.
ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ સાથે સાથે તમામ સુવિધા સંપન્ન શાળાઓ જેવી કે, એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલ, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી દ્વારા પાયાનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તે માટેના સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે એમ ઉમેર્યું હતું.
અંતે તેમણે તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, એક શિક્ષક તરીકેનું કામ એટલે જીવતી મૂર્તિને કંડારવાનું કામ છે એમ જણાવ્યું હતું.
તાપી જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સરિતાબેન વસાવાએ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, ગણિત અને વિજ્ઞાન એવા વિષયો છે જે રોજિંદા જીવનમાં પણ ખુબ ઉપયોગી છે. આ વિષયો ફક્ત કારકિર્દી બનાવ નહિ પરંતુ જીવન જીવવા માટે જરૂરી છે. આજે રાજ્યસરકાર શિક્ષણ વિભાગમાં સૌથી વધુ બજેટ ફાળવે છે ત્યારે શિક્ષકો પોતાનો પુરેપૂરો સમય વિદ્યાર્થીઓની કારકીર્દી ઘડવામાં ફાળવે તે ખુબ જ જરૂરી છે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનાં સિંચાન માટે પણ ખાસ ભાર મુક્યો હતો.
જિ.પં.ઉપપ્રમુખશ્રી અર્જુનભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા વિસ્તારમાં દરેક બાળકેને યોગ્ય શિક્ષણ મળે અને તેઓ ભણી-ગણીને આપણા સમાજનું નામ વધારે તે દિશામાં આપણા સૌના પ્રયાસો હોવા જોઈએ.
આ પ્રસંગે તાપી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્યશ્રી ડો.વાય. કે.પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં સીઆરસી કક્ષાએ 340 કૃતિઓ નોંધાઈ હતી. આજના જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં 55 જેટલી કૃતિઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી પ્રદર્શન માટે પસંદગી પામેલ છે. આ પ્રસંગે તેમણે જિલ્લાના તમામ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભવોને આ પ્રદર્શનના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આભારદર્શન ઉંચામાળા જ્ઞાનદીપ શાળાનાં આચાર્યશ્રી બકુલભાઈ ચૌધરી દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રા.શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઇ ચૌધરી, શિક્ષણ વિભાગનાં ગોવિંદભાઇ ગાંગોડા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં સિનિયર લેક્ચરર જયેશભાઇ પટેલ, કે. કે. કદમનાં આચાર્યાશ્રી સંગીતા ચૌધરી, તાપી જિલ્લાનાં પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષક સંઘનાં પ્રમુખ-ઉપપ્રમુખ, જ્ઞાનદીપ શાળા ઉંચામાળાનાં શાળા પરિવાર, સહીત પ્રદર્શનની નિર્ણાયક ટીમ અને વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000000