સાળંગપુર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સમિતિની બેઠક આવતીકાલે તા. 25 ડીસેમ્બર ને રવિવારે બપોરે 1: 00 કલાકે B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર જિ. બોટાદ ખાતે યોજાશે. રાજ્ય સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાનાર આ કારોબારી સભામાં રાજ્યનાં તમામ જિલ્લા સંઘોનાં પ્રમુખ, મહામંત્રી, રાજ્ય સંઘનાં હોદ્દેદારો, રાજ્ય પ્રતિનિધિઓ તથા મહિલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રામપાલસિંહ તથા મહામંત્રી કમલકાંત ત્રિપાઠીની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
સાળંગપુરની આ રાજ્ય કારોબારી બેઠકમાં સુરત જિલ્લામાંથી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત જિલ્લા અને તાલુકાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ બાબતે વધુ માહિતી આપતાં જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે કારોબારી બેઠકમાં રાજ્યનાં નવનિયુક્ત કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ખાસ ઉપસ્થિત રહેશે. બન્ને મહાનુભાવોનું રાજ્ય સંઘ તથા તમામ જિલ્લા સંઘો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે.
સદર બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજના સહિતનાં વિવિધ પડતર પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથે આગામી મે માસમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન યોજવા બાબત તેમજ રાજ્યનાં બે લાખ પ્રાથમિક શિક્ષકોનાં કલ્યાણ અર્થે પૂજ્ય મોરારી બાપુ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર રામકથાનાં આયોજન બાબતે ખાસ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.