સુશાસન સપ્તાહ : “પ્રશાસન ગાંવ કી ઓર” થીમ હેઠળ તાપી જિલ્લામાં કાર્યશાળા યોજાઇ
પ્રજા આપણી પાસે પ્રશ્નો લઈને આવે છે એનો અર્થ એવો છે કે પ્રજાને પ્રશાસન ઉપર ભરોસો છે.:-જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
………..
સુશાસનમાં સમાજને જોડો તો વધારે સારું કામ થઈ શકે છે.:આર. જે. પટેલ નિવૃત આઇ.એ.એસ
………..
ઝડપી અને નિર્ણાયક કામગીરી કરવા ટીમનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે.-આર. જે. હાલાણી નિવૃત આઇ.એ.એસ
………
પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના સંયુક્ત શાસનથી દેશનો વિકાસ થઈ શકે છે.:-જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા
………
માહિતી બ્યુરો તાપી, તા.23 : ૨૫મી ડિસેમ્બરને “સુશાસન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે હાલ દેશભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે તાપી જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત કિશાન દિવસ-પ્રાકૃતિક ખેતી, પંચાયત રાજ અને ગ્રામ વિકાસ, આઓગ્ય અને પોષણ અભિયાન વિષય ઉપર જિલ્લા સ્તરીય કાર્યશાળાનું આયોજન વ્યારા સ્થિત ડૉ. શ્યામા પ્રસાદ ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાનશ્રી નિવૃત આઇએએસ અને તાપી જિલ્લાના ભુતપુર્વ કલેક્ટરશ્રી આર. જે. પટેલ અને નિવૃત આઇએએસ અને જીપીએસસી સચિવશ્રી આર. જે. હાલાણી ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
આ વર્કશોપમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવે પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, સુશાસનનો ધ્યેય “પ્રશાસન ગાવ કી ઓર” સુત્રનું કારણ છે કે આપણે વંચિતો સુધી, છેવાડાના માનવી સુધી જાગૃતતા લાવવાની છે. પ્રજા આપણી પાસે પ્રશ્નો લઈને આવે છે એનો અર્થ એવો છે કે પ્રજાને પ્રશાસન ઉપર ભરોસો છે. આગામી સમયમાં તાપી જિલ્લાને વિકાસની હરોળમાં મૂકી દેશના વિકાસમાં ભાગીદાર બનવા તેમણે બહાર આપ્યો હતો.વધુમાં તેમણે તાપી જિલ્લાની પ્રજા શાંત છે આવા સમયે પ્રશાસનની જવાબદારી ખૂબ જ વધી જાય છે. તેમણે અઠવાડિયામાં એક દિવસ ગામડે ગામડે જઈ દરેક અધિકારીઓને ગામની સમસ્યા ગ્રામ્ય લોકોના પ્રશ્નોને સમજવા અને પોતાના અધિકારોનો સમુચિત ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તથા તાપી જિલ્લાના ભૂતપૂર્વ કલેકટર શ્રી આર જે પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, હું પ્રકૃતિના ખોળે જન્મનાર આદિવાસી ગામડાનો માણસ છું. મને ગર્વ છે કે હું આદિવાસી છું.અસલ આદિવાસી ક્યારેય જૂઠું બોલતા નથી. આદિવાસી પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિનું જતન કરનાર છે. તાપી જિલ્લો ભીંડાની ખેતી માટે પ્રખ્યાત છે. આપણે ભવિષ્યમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા ભીંડા એક્સપોર્ટ કરીએ એવા આપણો પ્રયાસ હોવો જોઈએ. પ્રકૃતિ આપણી માતા છે એક માતાએ જન્મ આપ્યો અને એક માતા આપણું પોષણ કરે છે. આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને તેનું જતન કરીએ. વધુમાં તેમણે સૌ અધિકારી-કર્મચારીઓને પોતાની કારકિર્દી દરમિયાન બનેલા અવનવા પ્રસંગોને ઉદાહરણ તરીકે દર્શાવી સુશાસનમાં સમાજને જોડો તો વધારે સારું કામ થઈ શકે છે એમ સમજ કેળવી હતી. તેમણે અંતે “પ્રકૃતિ શરણમ ગચ્છામી” થીમના આધારે પોતાની વિવિધ કામગીરીને વર્ણવી હતી. અંતે તેમણે ઈશ્વરે માનવજાતને અભૂતપૂર્વ શક્તિઓ આપી છે આ શક્તિઓને ઓળખી પ્રજાનો વિકાસ કરવા સૌને આહવાન કર્યું હતું. તેમણે પોતાના દ્વારા લખાયેલી બુક “વહીવટની વાટે” જિલ્લા કલેકટરશ્રીને ભેટ આપી તમામ અધિકારીઓને આ બુક આપવા અને તમામને જરૂર વાંચન કરવા વિનંતી કરી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી અને તાપી જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર શ્રી આર.જે હાલાણીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ઝડપી અને નિર્ણાયક કામગીરી કરવા ટીમનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. અધિકારી-કર્મચારીઓએ સંવેદનશીલતા દાખવી કામગીરી કરવી જોઈએ. આ સાથે ઉચ્ચ અધિકારીઓની જવાબદારી છે કે તેઓ પોતાના કર્મચારીઓની કાર્યશીલતામાં વધારો કરે તેવું વાતાવરણ ઊભું કરે. ગુજરાતમાં સારામાં સારું સેવાસદન તાપી જિલ્લાને મળ્યું છે જેનો શ્રેય આર.જે પટેલ સાહેબને જાય છે. તેઓના પ્રયાસો થકી જ તાપી જિલ્લાને આ ભવ્ય સેવાસદન મળ્યું છે. તાપી જિલ્લાની સૌથી સારી બાબત એ છે કે આ જિલ્લો પ્રકૃતિના ખોળે બિરાજમાન છે. આવી જગ્યાએ કામ કરવું એ સૌભાગ્યની બાબત છે. અંતે તેમણે આહવાન કર્યું હતું કે, આપણે સૌ સાથે મળી સારામાં સારી કામગીરી દ્વારા તાપી જિલ્લાને નવી ઊંચાઈએ લઈ જઈએ.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી. કાપડિયા એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના સંયુક્ત શાસનથી દેશનો વિકાસ થઈ શકે છે. વધુમાં તેમણે સરકારની કામગીરી ઝડપી, હકારાત્મક, જવાબદારી પૂર્વક, સંવેદનશીલ અને માનવીય અભિગમ સાથે કામ કરીએ તેને સુશાસન કહેવાય એમ જણાવ્યું હતું. તેમણે સૌ અધિકારી-કર્મચારીઓને આપણે સુશાસનના નિમિત બનીએ એમ આહવાન કર્યું હતું.
*લાભાર્થી ઉદ્બોધન-પ્રગતિશિલ ખેડૂત રતીલાલભાઇ વસાવા*
આ પ્રસંગે છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેપોર ગામના પ્રગતિશિલ ખેડૂત રતીલાલભાઇ વસાવાએ પોતના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, મને પાકૃતિક ખેતી અંગે તાલીમ મળી પછી મે સંકલ્પ કર્યો હતો કે, મારા ખેતરમાં હું ઝેર-રસાયણિક ખાતર ક્યારેય નાખીશ નહી. મે એક દેશી ગાય દ્વારા મારા સવા બે એકરમાં પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. ફળ ઝાડનું જંગલ તૈયાર કર્યું જે આજે મારા ગામના અને આસ પાસના તમામ જિલ્લાના લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે. આતે અન્ય જિલ્લાથી ખેડૂતો મારે ત્યા તાલીમ લેવા આવે છે. ફળ ઝાડનું જંગલ તાપી જિલ્લાનુ સૌ પ્રથમ મોડલ હતુ.જે આજે દરેક માટે પ્રેરણાદાયક બન્યું છે. તેમણે આ માટે આત્મા વિભાગ, ખેતીવાડી, બાગાયત અને કેવીકે વ્યારાનો આભાર માન્યો હતો. અને તમામ ખેડૂત ભાઇ-બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ધરતી માતાને સ્વસ્થ બનાવી ખેડૂતપુત્ર તરીકેનું રૂણ અદા કરવા વિનંતી કરી હતી.
કાર્યશાળામાં તાપી જિલ્લામાં સુશાસન સ્થાપવા મહાભાવો સહિત ઉપસ્થિત સૌએ શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમના અંતે મધમાખી ઉછેર માટે તાલીમ મેળવેલ બહેનોને કીટ આપી પોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી અંકિતા પરમાર, પ્રાંત અધિકારી શ્રી આર સી પટેલ, નાયબ કલેકટર તૃપ્તિ પટેલ, તાપી જિલ્લાના ભૂતપૂર્વ પ્રોગ્રામ ઓફિસરશ્રી ભાર્ગવી બેન, ડોલવણ મામલતદાર શ્રી હાર્દિકભાઈ, વાલોડ મામલતદારશ્રી નેહાબેન સહિત સંકલન સમિતિના તમામ અધિકારી-કર્મચારીશ્રીઓ તથા સખી મંડળની બહેનો, આંગણવાડી કાર્યકરો, ખેડૂત ભાઇ-બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000000