કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા તા. ૨૩/૧૨/૨૦૨૨ ના રોજ બાગાયત ખાતુ-તાપી અને આત્મા-તાપીના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ ૭૦૦ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સુશ્રી ભાર્ગવી દવે, માન. જીલ્લા કલેકટર, તાપી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્મનો હેતુ સમજાવ્યો હતો. વધુમા તેમણે તાપી જીલ્લાના લોકોના સરળ સ્વભાવને વધાવ્યા હતા અને પ્રશાસન તંત્રના દરેક વિભાગ દ્વારા જીલ્લાના લોકોને સરળતા અનુભવાય એ રીતે દરેક કાર્યોમા મદદ કરવા અધિકારીઓને અપીલ કરી હતી.
શ્રી આર. જે. પટેલ (IAS Retd.) દ્વારા તેમના સુશાસન તંત્રના તેમના જુદા જુદા જીલ્લાઓમા તેમજ તાપી જીલ્લામા કરેલા કાર્યો વિશેના અનુભવો વાગોળ્યા અને આદિવાસી વિસ્તારમા ખેતી કરવાની રીત વિશે માર્ગદશન આપ્યુ હતુ. વધુમા તેમણે પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજાવી તાપી જીલ્લામા મહત્વની ભીંડાની ખેતીને રસાયણમુકત કરવા હાંકલ કરી હતી. વધુમા તેમણે પ્રાકૃતિક ખેતીના પાક ઉત્પાદનના બજાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મદદની ખાતરી પણ આપી હતી.
શ્રી આર. જે. હાલાણી (IAS Retd.), દ્વારા તાપી જીલ્લામા કોરોના મહામારી દરમિયાન ખેડુત ઉપયોગી કાર્યોને યાદ કરી સરકારી તંત્રના સહકારને બિરદાવ્યો હતો.
કાર્યક્રમમાં સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોએ પ્રતિભાવો રજુ કર્યા હતા. સદર કાર્યક્રમમા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા મધમાખી પાલન કરતા ખેડુતોને બેગનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
ઉપરોકત કાર્યક્રમમા ડો. ડી. ડી. કાપડીયા (IAS), માન. જીલ્લા વિકાસ અધિકારી, તાપી, શ્રી આર. સી. પટેલ, માન. પ્રાંત અધિકારી, વ્યારા વિભાગ, સુશ્રી અંકિતા પરમાર, પ્રાયોજના વહિવટ અધિકારી, તાપી, ડો. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે-તાપી, શ્રી એ. કે. પટેલ, પ્રોજેકટ ડાયરેકટર, આત્મા-તાપી, શ્રી તુષારભાઇ ગામિત, નાયબ બાગાયત નિયામક-તાપી તેમજ જીલ્લાના જુદા જુદા વિભાગના કુલ ૫૭ જેટલા સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.