વલસાડ સીટી 10k મેરેથોનમાં દોડવીરોએ તિથલ કિનારે દોડ ઉત્સવ ઉજવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર વિશ્વ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવી રહી છે ત્યારે વલસાડ જિલ્લાનાં અરબ સાગરને કિનારે આવેલા તિથલ સ્વામિનારાયણ ભગવાનનાં સાનિધ્યમાં યુફિઝીઓ સોફ્ટવેર કંપની, એમ ડી ફિટનેસ વલસાડનાં સૌજન્યથી ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ આયોજિત વલસાડ 10k મેરેથોન યોજાઈ હતી.
ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા દોડવીરો સહિત 800 જેટલાં દોડવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો. અનુક્રમે દશ, પાંચ અને ત્રણ કિમીનાં દોડવીરો દોડ માટે ઉપડ્યા હતાં. સુંદર મજાનાં રૂટ વચ્ચે દરિયાકિનારાનાં વિસ્તારમાંથી થઈ સેગવી ગામ તરફનાં માર્ગે દોડ સક્રિય રહી હતી. માર્ગમાં સાઈન બોર્ડ તેમજ હાઇડ્રેશન પોઇન્ટ અને મેડિકલ સારવારની સુંદર વ્યવસ્થા હતી. સ્વયંસેવકો દોડવીરોને પ્રોત્સાહન આપી સપોર્ટ કરતા હતાં. વલસાડની શાન એવાં કલ્યાણી બાગમાં આવેલા મિનારાની છાપ ટી શર્ટ પર શોભાયમાન હતી. આ તમામ માહોલ વચ્ચે હરહંમેશની જેમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબનાં પ્રવૃત્ત સભ્ય તથા સુરત રન એન્ડ રાઇડર 13 નાં દોડવીર અને દેગામ શાળાનાં ઉપશિક્ષક અશ્વિનકુમાર ટંડેલ કે જેઓ હાલ શાળાનાં ચોવીસ બાળકો સાથે જૂનાગઢ કાર્યશાળા માં પ્રવૃત્ત છે એમની અવેજીમાં સાથી શિક્ષક મિત્ર શૈલેષ પટેલ (ઉંડાચ)અને ભાવેશ ટંડેલ, અજય પટેલ (નવસારી) સહિત શાળાનાં વિદ્યાર્થીઓ પાંચ કિમી દોડમાં ભાગ લઈ પ્રતિભાશાળી દેખાવ કર્યો. રિતેશ હસમુખલાલ પટેલને ઝડપી રનર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. પ્રથમ ત્રણ સ્થાનોને કેટેગરી મુજબ ઇનામો અર્પણ થયા. ટીમનાં આયોજક ભાઈઓએ ગૃપ ફોટો લઈ ઉજવણી કરી હતી.
માર્ગદર્શક શિક્ષકની અનુપસ્થિતિમાં ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બાળકોને નિઃશુલ્ક દોડ માટે લાભ આપવામાં આવ્યો. સરકારી શાળાનાં બાળકો આવી પ્રતિભાનું પ્રદર્શન કરવા હરહંમેશ પોતાનાં શિક્ષક સાથે આવે છે જેની નોંધ લઈ આ લાભ આપવામાં આવ્યો હતો. જે બાબતે શાળા પરિવાર આભારી છે. નાનપણથી જ બાળકો આરોગ્ય પ્રત્યે સભાન થાય અને મોબાઈલ છોડી મેદાની રમતોમાં ભાગ લે એવો સંદેશ વહેતો મૂકવામાં આવ્યો. આગામી સમયમાં જે પણ પ્રવૃત્તિઓ થાય તેમાં શાળા આ મુજબ સહભાગી થતી રહેશે અને સ્વાસ્થ્યનાં તહેવાર સમી આવી દોડની પ્રવૃત્તિને ઉજવતી રહેશે.