આમલીપાડા પંચાયતઘરનું ખાતમુહુર્ત કરતા રાજ્યકક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

Contact News Publisher

છેવાડાના આદિજાતિ વિસ્તારમાં રસ્તા, પાણી, વિજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી માળખાગત સુવિધાઓના કામો હાથ ધરાશે – આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૮- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે આજરોજ રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ્ હસ્તે પંચાયત ઘર –કમ-તલાટી મંત્રી ઘર નું ખાતમુહુર્ત કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, કલેકટર સુશ્રી ભાર્ગવી દવે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા,પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંકિતા પરમાર, ઈ.ચા.ગ્રામ વિકાસ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એચ.રાઠવા સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે મારા મતવિસ્તારમાં સૌપ્રથમવાર મુલાકાત કરી તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું. આપના મતને કારણે જ આ મંત્રીપદ મળ્યું છે. જેના ભાગીદાર આપ સૌ મતદારો છો. છેવાડાના આદિજાતિ વિસ્તારમાં રસ્તા,પાણી,વિજળી,શિક્ષણ અને આરોગ્ય જેવી માળખાગત સુવિધાઓના કામો હાથ ધરાશે. આદિજાતિ વિસ્તારની કાયાપલટ કરવા માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં આવી. સરકારે લોકોની ખૂબ ચિંતા કરી છે. સખીમંડળોના બહેનોને પગભર બનાવવા માટે દૂધ મંડળીનું સંચાલન સોંપવામાં આવશે. આ વિસ્તારના તમામ પ્રશ્નો માટે હું કટીબધ્ધતા વ્યક્ત કરૂં છું.
કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ માટે વહીવટીતંત્ર સતત ચિંતિત છે. સારા કાર્યોની શુભ શરૂઆત કરી છે. દરેક ક્ષેત્રે વિકાસ થાય તે માટે વહીવટીતંત્ર સુસજ્જ છે. આપણાં ગામને શ્રેષ્ઠ બનાવવા આપણે સૌ સહભાગી થઈશું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ જનાદેશને ઉમળકાથી વધાવી જણાવ્યું હતું કે ૨૧મી સદી વણથંભી વિકાસની રહેશે. પ્રચંડ જન આશિર્વાદ મળ્યો છે ત્યારે તાપી જિલ્લાને સુરતની હરોળમાં લઇ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ તાલુકાના ગામોની વિકાસલક્ષી વાતો કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અહીં ૩૦ લાખની માતબર રકમના પેવર બ્લોક,પાણીની ટાંકી,રસ્તા, હેન્ડ પંપ જેવા કામો કરવામાં આવ્યા છે. આજે આમલીપાડા ગામે રૂા.૧૬ લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ઘરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. કુલ ૩૦ જેટલા ગામોના આવા પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં કુલ ૧૨૧૧ કામો રૂા.૩૦ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. કુલ ૧૪૦૦ જેટલા કામો મનરેગાના છે. ૩૪ જેટલી જર્જરિત આંગણવાડીના કામો હાથ ધરાશે. હજુપણ ગ્રામપંચાયતના મકાનો જર્જરિત ન રહે,રસ્તા,શાળાના ઓરડા જેવા સર્વાંગિણ વિકાસના કામો હાથ ધરાશે.
આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વસાવાએ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. અને પૂર્વ આદિજાતિ મંત્રીશ્રી કાન્તીભાઈ ગામીતે સ્થાનિક બોલીમાં મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા/તાલુકા પદાધિકારીઓ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ સરિતાબેન વસાવા,મામલતદાર દિનેશ ઢીમ્મર,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઈ પરમાર,સી.ડી.પીઓ.સરપંચ વિનેશભાઈ સહિત આગેવાનો,ગ્રામજનો,શાળા પરિવારે મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. શાળાની બાલિકાઓએ પ્રાર્થના,સ્વાગત ગીત રજુ કર્યું હતું. મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ બાલિકાઓને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other