કોરોના વોરિયર સ્વ.વિનોદરાયના પરિવારને કેન્દ્રના રૂ.૫૦ લાખ અને રાજ્ય સરકારની રૂ.૮ લાખની કોરોના સહાય અર્પણ
વ્યાસ પરિવારે સાંસદ સી.આર.પાટીલનો શાલ ઓઢાડી આભાર માન્યો
———
ગુજરાતમાં કોરોના વોરિયર્સ ૧૪ નર્સિંગ સ્ટાફને હાલ સુધીમાં રૂ. ૭ કરોડની સહાય ચૂકવાઈ: ઈકબાલ કડીવાલા
———
સ્વ.વિનોદરાય તાપી જિલ્લાના વ્યારા ખાતે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા
———-
માહિતી બ્યુરો, તાપી, તા.17: રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ તરીકે અવિરત ફરજ બજાવનાર આરોગ્ય, પોલીસ, સફાઇકર્મીઓ, તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં ખાસ આર્થિક સહાયની ચૂકવણી કરી છે, જે સંદર્ભે કોરોનાકાળમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ વિનોદરાય વ્યાસનું દુઃખદ અવસાન થયું હતું. કેન્દ્ર સરકારની યોજના મુજબ રૂ.૫૦ લાખ અને રાજ્ય સરકારની યોજના મુજબ રૂ.૮ લાખ રૂપિયાની સહાય સીધા બેન્ક ખાતામાં ટ્રાન્સફર થતા વ્યાસ પરિવારે સોસિયો સર્કલ ખાતેના કાર્યાલય ખાતે સાસંદશ્રી સી.આર.પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, કોરોનાના કપરા કાળમાં દક્ષિણ ગુજરાતના કોરોનાગ્રસ્ત થયેલા કુલ ૪ નર્સિંગ કર્મયોગી અને નવી સિવિલ હોસ્પિટલ-સુરતના ૨ કોરોના વોરિયર્સનું દુઃખદ નિધન થયું હતું. કોવિડની શરૂઆતથી વ્યારા નર્સિંગ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિનોદરાય ફરજ પર હતા ત્યારે કોરોનાગ્રસ્ત થયા બાદ તા.૨૮/૦૪/૨૦૨૧ના રોજ અવસાન પામ્યા હતા. જેથી કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ.૫૦ લાખ તથા રાજ્ય સરકાર તરફથી રૂ.૮ લાખની સહાય બેન્કમાં જમા થઈ હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૪ કોરોના વોરિયર્સને સહાયના રૂ.૭ કરોડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે.
મૃતક કોરોના વોરિયર્સના પરિવારને ઝડપભેર સહાય મળી રહે તે માટે પ્રદેશ સંગઠન અધ્યક્ષ અને સાસંદશ્રી સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હોવાનું શ્રી કડીવાલાએ ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, સુરત નવી સિવિલના નર્સિંગ કોરોના વોરિયર સ્વ.સુનીલ નિમાવતના પુત્ર ઓમ નિમાવત કેન્દ્ર સરકારની યોજના મુજબ ઝારખંડ ખાતે રાંચી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં એમબીબીએસમાં પ્રવેશ મેળવીને હાલ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ એસો. સેક્રેટરીશ્રી કિરણ દોમડિયા, નર્સિંગ કોલેજ-વ્યારાના પ્રિન્સીપાલ ટ્રીપલબેન ચૌધરી, ફેકલ્ટી નૂતન ગામીત, સરકારી નર્સિંગ કોલેજના સુનીલ મોદી, વિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-