પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 માં ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં આજરોજ ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જયભારતી કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ સમક્ષ ઊર્જાનાં વિવિધ પ્રકારો, ઉર્જાની જરૂરિયાત, ઉર્જા સ્ત્રોતો અને ઊર્જાની બચત વિશે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલ ઉર્જા વિશેની ક્વિઝમાં વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને જયભારતી કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનાં જી. એન. કાકડિયા દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતાં. શાળાનાં ધોરણ ૬ થી ૮ નાં તમામ વિદ્યાર્થીઓએ ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો અને આગામી દિવસોમાં ઊભી થનારી ઊર્જાની અછત સામે કઈ રીતે મુકાબલો કરવો તે અંગે પરંપરાગત અને પુનઃપ્રાપ્ય ઉર્જા વિશે માહિતી મેળવી હતી.
શાળાનાં વિજ્ઞાન શિક્ષિકા અર્ચનાબેન પટેલ અને હેતલબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે જયભારતી કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનાં જી. એન. કાકડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.