ઓલપાડની છીણી પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક હર્ષદ કેદારીયાને નિવૃત્તિ વિદાયમાન અપાયુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત છીણી પ્રાથમિક શાળા તા. ઓલપાડ જિ. સુરતનાં મુખ્યશિક્ષક હર્ષદભાઈ લીમજીભાઈ કેદારીયા નિવૃત્ત થતાં છીણી ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માજી સરપંચ હિતેશ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, બીટ નિરીક્ષક અમિત પટેલ, શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કાર્યવાહક પ્રમુખ મહેશ પટેલ, ટીચર્સ સોસાયટીનાં માજી સેક્રેટરી ઠાકોર પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશ પટેલ, માજી ડેપ્યુટી સરપંચ નીતિન આહીર, અગ્રણી કાર્યકર્તા હિતેશ પટેલ, રાકેશ પટેલ તેમજ એસ.એમ.સી. સભ્યો, ખોડિયાર નવયુવક મંડળ, પિંજરત સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકો, આસિસ્ટન્ટ બેંક મેનેજર ઇશ્વર પટેલ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
સતત એક જ શાળામાં ૨૭ વર્ષ સુધી શિક્ષક ત્યારબાદ આચાર્યપદે સેવા આપનાર હર્ષદભાઈનું ગ્રામજનોએ એમની સેવા, કર્તવ્યનિષ્ઠાને બિરદાવતાં પુષ્પગુચ્છ, પ્રતિક ભેટ અર્પણ કરી શાલ ઓઢાડી વિદાયમાન આપ્યું હતું. પિંજરત કેન્દ્ર શિક્ષક પરિવાર તથા સ્થાનિક શાળા દ્વારા પણ તેમને સન્માનપત્ર અર્પણ કરી નવાજવામાં આવ્યા હતાં.
રાકેશ પટેલ, કિશોર પટેલ, ખોડિયાર યુવક મંડળે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પ્રારંભે પ્રાર્થના, સ્વાગતગીત તથા વિદાયગીત સ્થાનિક શાળાની બાળાઓએ ઉત્સાહપૂર્વક રજૂ કર્યા હતાં. પોતાનાં પ્રતિભાવમાં ગદગદિત થઈ હર્ષદભાઈએ બાળકો, શિક્ષકો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં શાળાનાં આચાર્ય રેખાબેન પટેલે આભારવિધિ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other