તાપી જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ અંગેનું જાહેરનામું
( માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા. ૦૨: તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, સોટા, ધોકા, બંદુક, છરા લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ જવું નહિં. કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહિં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના શસ્ત્રો, અથવા સાધનો લઇ જવા નહિં કે એકઠા કરવા નહિં તથા તૈયાર કરવા નહિં. ધાર્મિક સ્થળોએ લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહિં. તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાં કોઇ પદાર્થ કે પાણી ભરીને ધાર્મિક સ્થળોએ ફેંકવા નહિં. કોઇ રાહદારી કે અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહિં. જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિં, તેવા હાવભાવ, ચેષ્ટા કરવી નહીં કે તેવા ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહિં, બતાવવી નહિં અથવા તેનો ફેલાવો કરવો નહિં. જલતી અથવા પેટાવેલી મશાલ લઇ જવી નહિં. લોકોને અપમાનિત કરવાના ઇરાદાથી જાહેરમાં બુમો પાડવી નહિં તથા સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરસભા અથવા સરઘસનું આયોજન કરવું નહિં.
આ હુકમ સરકારી કર્મચારી કે કામ કરતી કોઇ પણ વ્યકતિ કે જેને ઉપરી અધિકારીએ સરકારી ફરજ બજાવવા, આવું કોઇ હથિયાર લઇ જવાની આજ્ઞા આપેલ હોય તેવા કિસ્સામાં, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડાએ અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને તથા જેને શારિરીક અશક્તિને કારણે લાકડી, લાઠી લઇ જવાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓને તથા સરકારી અથવા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને લગતા કાર્યક્રમોને લાગુ પડશે નહિં.આ હુકમ તા.૧૭-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
00000000