તાપી જિલ્લામાં યુનિક દિવ્યાંગ મતદાન મથક : મતાધિકારની ફરજ અદા કરી લોકશાહીના મહા પર્વમાં પોતાનું અમુલ્ય યોગદાન નોધાવતા તાપી જિલ્લાના જાગૃત દિવ્યાંગ મતદારો
તાપી-વ્યારા તા.૦૧: ભારતના ચૂંટણી પંચે લોકશાહીના અવસરને પર્વ સમાન ઉજવણીનું આહવાન કર્યું. લોકશાહીને મજબૂત બનાવવા દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.ત્યારે આજે તાપી જિલ્લામાં દિવ્યાંગ મતદારો પોતાના મતદાન મથક ઉપર જઈ પોતાના મતાધિકારની ફરજ અદા કરી લોકશાહીના મહાપર્વમાં પોતાનું અમુલ્ય યોગદાન નોધાવ્યું હતું.
તાપી જિલ્લામાં દિવ્યાંગ મતદારોમાં કુલ ૧૫૨૦ દિવ્યાંગ પુરૂષ મતદારો અને ૧૪૯૫ દિવ્યાંગ મહિલા મતદારો મળીને કુલ ૩૦૧૫ દિવ્યાંગ મતદારો છે. જે પૈકી શારિરીક અશક્ત મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા,મતદાન મથક ઉપર રેમ્પની સુવિધા,ખાનગી વાહનોની સુવિધા, મતદાન મથકના સ્ટાફ દ્વારા મદદ જેવી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં દિવ્યાંગ દ્વારા સંચાલિત યુનિક મતદાન મથકો ઉભા કરાયા હતા જે પૈકી ૧૭૧-વ્યારા સીટ ઉપર ૭૪-વ્યારા-૧૬ ગોરૈયા ખાતે અને ૧૭૨-નિઝર સીટ ઉપર સોનગઢ ખાતે ૨૧૯-સોનગઢ-૨ ખાતે દિવ્યાંગ (PWD) સંચાલિત મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકની વિશેષતા એ હતી કે, ચૂંટણી તંત્રના દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓ દ્વારા સંચાલિત આ મતદાન મથકો વિશેષ આકર્ષણરૂપ રહ્યા હતા. ગોરૈયા મતદાન મથકના અધિકારી બિપિનભાઇ ચૌધરીએ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ મતદાન મથક સંચાલન કરી ગૌરવની લાગણી અનુભવું છું. અને અમારા મતદાન મથક ઉપર તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવે એવી અપેક્ષા રાખું છું.
૦૦૦૦૦૦