તાપી જિલ્લાના ૬૦૫ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના
લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક કામગીરી સંપન્ન કરવા સૌને પ્રોત્સાહિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
……………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.30: વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે તા. ૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારની યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે સોનગઢ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેના ડિસ્પેચીંગ કેન્દ્રની આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચના શ્રી શીવ શહાય અવસ્થી (આઇ.એ.એસ) અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી નિમીત ગોયલ (આઇ.પી.એસ) સહિત ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઇ તમામ ટીમોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુકડીઓ દ્વારા મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું ઉંડાણપુર્વક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં ડિસ્પેચીંગ કામગીરી દરમિયાન સેન્ટરમાં EVM – VVPAT સંદર્ભની તૈયારીઓ, ડિસ્પેચીંગ પહેલા રાખવાની થતી તમામ પ્રકારની કાળજી તેમજ મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ ડિસ્પેચીંગ વખતે રાખવાની જરૂરી કાળજી, નિયત સ્થળોએ બેરીકેટીંગ, CCTV કેમેરા, ડાયરી વગેરે જેવી તમામ સુવિધા માટેની જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં તેમણે દિવ્યાંગ મતદાન મથક, સખી મતદાન મથકો, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, આદર્શ મતદાન મથકો, સહિત તાપી જિલ્લાના તમામ ૬૦૫ મતદાન મથકોના કર્મચારીઓ, મહિલા પોલીંગ ઓફિસર સહિતના સમગ્ર ટીમ સાથે સીધો સંવાદ કરી તેમને સોંપાયેલી ફરજો ખૂબ જ ચોકસાઇથી તેમજ આ લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક કામગીરી સંપન્ન કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણીના મહાપર્વની પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા હર્ષ ઉલ્લાસભેર રવાના થયા હતા.
આ વેળાએ વ્યારા પ્રાંત આર.સી પટેલ, નિઝર પ્રાંત જયકુમાર રાવલ, વ્યારા મામલતદાર એચ.જે.સોલંકી, સોનગઢ મામલતદાર દિનેશ ઢિંમર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦00000૦૦૦૦૦