ઓલપાડ તાલુકાની સોંસક પ્રાથમિક શાળાનાં આચાર્ય રામચંદ્ર પટેલનો વિદાય સમારંભ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદયનાં માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે. એમાંય શિક્ષકની વિદાય વસમી લાગે છે. શિક્ષકની શાળા, સાથી શિક્ષક મિત્રો તેમજ બાળકો સાથે એટલી આત્મિયતા બંધાઈ જાય છે કે તેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે. આવો એક વિદાય સમારંભ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સોંસક પ્રાથમિક શાળામાં યોજાયો હતો.
અત્રેની શાળામાં છેલ્લાં 38 વર્ષથી‌ ફરજ બજાવતાં રામચંદ્રભાઇ પટેલ વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ ગામનાં સરપંચ શ્રીમતી દીપ્તિબેન પંચાલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, કાર્યવાહક પ્રમુખ મહેશભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ નગીનભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઇ પટેલ, કેન્દ્ર શિક્ષક શશીકાંતભાઈ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડીનેટર આશાબેન ગોપાણી, એસ.એમ.સી. અધ્યક્ષ પારસબેન ગુર્જર, માસમા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકો, ગામનાં અગ્રણીઓ ઉપરાંત વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સ્થાનિક શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગતગીત તથા શોર્યગીત રજૂ કર્યા હતાં. શાળાનાં ઉપશિક્ષક નિલેશભાઈ પંડ્યાએ સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા હતાં.
ઉપસ્થિત મહાનુભવોનાં વરદ હસ્તે રામચંદ્રભાઈનું શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં રામચંદ્રભાઈની ફરજનિષ્ઠાને બિરદાવી હતી. સાથે જ નિવૃત્તિ બાદ તેમનું જીવન સુખદાયી અને પ્રવૃત્તિમય રહે એવી શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઇ પટેલ, ઉપપ્રમુખ નગીનભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક ગોવિંદભાઈ મોઢેરા, અંભેટા પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેશભાઈ પટેલ તથા ગામનાં વડીલોએ પોતપોતાનાં ઉદબોધનમાં રામચંદ્રભાઈની યશસ્વી કારકિર્દીને ઉજાગર કરી હતી.
શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ પોતાનાં અભ્યાસકાળ દરમિયાનનાં ખાટા મીઠા સંસ્મરણો વાગોળી પ્રેરણાસ્ત્રોત શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. વિદાય લઇ રહેલ રામચંદ્રભાઇએ પોતાનાં પ્રતિભાવમાં ફરજ દરમિયાનનાં સુખદ પ્રસંગો ઉપરાંત વાલીઓનાં સહયોગને વાગોળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષિકા ધ્વનિબેન સોલંકીએ કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other