ઓલપાડની પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારતનાં ચૂંટણી પંચે SVEEP પ્રોગ્રામ અંતર્ગત લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા તથા દરેક મતનાં મહત્વને સમજવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ કાર્યક્રમ ‘મારો મત મારું ભવિષ્ય – એક મતની તાકાત’ શરૂ કરેલ છે.
સદર કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં રંગોળી સ્પર્ધા, ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા તથા શેરી નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ અન્વયે શાળાઓમાં વાલી મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓને મતદાન જાગૃતિ અંગેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓએ અચૂક મતદાન કરવાનાં શપથ લીધા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.