તાપી જિલ્લામાં નાના ભુલકાઓના વાલીઓને મતદાન કરવા પ્રેરિત કરતી આંગણવાડીની બહેનો
જિલ્લાની આંગણવાડી કેન્દ્રો ઉપર “મારો મત, મારો અધિકાર”, “મેરા વોટ, મેરા ભવિષ્ય”,”vote for better India” જેવા સુત્રો અને રંગો દ્વારા સંદેશા પાઠવવામાં આવ્યા
…………………………
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.૧૬: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. 14મી નવેમ્બરે ઉમેદવારીના છેલ્લા દિવસ સુધીમાં 89 બેઠકો ઉપર ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 17મી હોવાથી એ દિવસે જ આ બેઠકો પરનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. તાપી જિલ્લામાં આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટીવીટી અન્વયે નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે. તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ સ્થળોએ જઇ જાહેર જનતાને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં તાપી જિલ્લાની આંગણવાડીઓમાં નાના ભુલકાઓ પણ આ મહાઅભિયાનમાં જોડાઇ ગયા છે.પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની આંગણવાડી કેન્દ્રો ઉપર રંગોળી અને મતદાન કરવા અંગેના સંદેશાઓ જેમાં “મારો મત, મારો અધિકાર”, “મેરા વોટ, મેરા ભવિષ્ય”,”vote for better India” જેવા સુત્રો રંગો દ્વારા સંદેશા પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ખાતે આંગવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા નાના ભુલકાઓના વાલીઓને મતાધિકાર અંગે સમજ આપી આવનારી 1લી ડિસેમ્બરે વોટ આપવા અંગે જાગૃત કર્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦