ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ રેસર્સ ગૃપ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની મેરેથોન યોજાઇ
શાળા કક્ષાએ દોડ, સાયકલિંગ, સ્વીમીંગ, પર્વતારોહણ, સ્કેટિંગ અને ગામઠી રમતો જેવી પ્રવૃત્તિઓ બાબતે શિક્ષણ સચિવ રાવ સાહેબ દ્વારા શાળા અને શિક્ષક સન્માનિત
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારત સરકાર પ્રેરિત ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિટનેસ કી ડોઝ , આધા ઘંટા રોજ” નાં મંત્રને સાર્થક કરવા સંદર્ભે રન એન્ડ રાઇડર 13 સુરતનાં સભ્ય અને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત દેગામ મુખ્ય પ્રાથમિક શાળા તા. વાપીનાં ઉપશિક્ષક અશ્વિનકુમાર ચીમનલાલ ટંડેલ અને શાળાનાં વિદ્યાર્થીઓએ વલસાડ રેસર્સ ગૃપ આયોજીત રાષ્ટ્રીય કક્ષાની મેરેથોનમાં હાફ મેરેથોન (૨૧ કિમી) અને ૫ કિમી સ્પ્રિન્ટ રનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર આયોજિત ખેલ મહાકુંભમાં બાળકો માટે 50મી અને 100મી દોડની કેટેગરી હોય છે પરંતુ લાંબા અંતરની દોડ માટે આ પ્રકારની સ્પર્ધાનું માધ્યમ શ્રેષ્ઠ સાબિત થાય એ હેતુસર શિક્ષકે શાળાનાં બાળકોને પણ તાલીમ આપી સજજ કર્યા. વિદ્યાર્થીઓને મેડલથી નવાજી સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા. લાંબા અંતરની દોડ બાળકોને ભવિષ્યમાં અન્ય સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરવાનું એક પગથિયું બની રહે એવી આશા સાથે વિદ્યાર્થીઓને બાહ્ય ફલક પર ઉતારી પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી રહે છે એ માટે આવા સન્માનનીય રનીંગ ગૃપનો શાળા વતી તેમણે આભાર માન્યો હતો.
પ્રથમવાર વલસાડ જિલ્લા કક્ષાએ અતુલ ક્લબ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની ત્રાયેથલોન સ્પર્ધા (સ્વીમીંગ,સાયકલિંગ અને દોડ એકસાથે કરવાની સ્પર્ધા) યોજાયેલી, જેમાં શાળાનાં શિક્ષક ૧૩૦ સ્પર્ધકો પૈકી એમની વય કેટેગરીમાં પ્રથમ ૧૦ ક્રમાંકમાં સ્થાન મેળવી બાળકો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શાળા કક્ષાએ દોડ, સાયકલિંગ, સ્વીમીંગ, પર્વતારોહણ, સ્કેટિંગ અને ગામઠી રમતો જેવી પ્રવૃત્તિઓ ચાલે છે જે બાબતે શિક્ષણ સચિવ રાવ સાહેબે પણ શાળા અને શિક્ષકને બિરદાવેલ છે. આગામી સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરી તૈયારી કરાવવા કટિબદ્ધ થયેલા શિક્ષકે યુવાઓ અને બાળકોને આવી સ્વાસ્થ્ય પ્રેરક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ રહી ફીટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગવાન બનાવવાની શુભેચ્છાઓ રજૂ કરી છે.