“હું વોટ કરીશ” નો સંકલ્પ લેતા તાપીવાસીઓ: નિઝર વિસ્તારમાં અવસર રથને મળ્યો બહોળો પ્રતિસાદ
‘અવસર રથ’ ના માધ્યમ થકી મતદાનના મહત્વને સમજી મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા
…………………………
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા. 12: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત તાપી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના સફળ માર્ગદર્શન હેઠળ અવસર રથ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિધાનસભા ચુંટણી- ૨૦૧૭ દરમિયાન ઓછું મતદાન થયેલ ૧૧ મતદાન મથકોએ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમા આજે સોનગઢ તાલુકાના હિંદલા અને માળ ગામે, નિઝર તાલુકાના ગુજ્જરપુર, મુબારકપુર, નિઝર, દેવાળા ગામે તેમજ કુકરમુંડા તાલુકાના નિંભોરા અને કુકરમુંડા ગામે અવસર રથ ફેરવવામાં આવ્યો હતો. તેમજ મતદારોને આગામી ચુંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત કરવા પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઓછુ મતદાન ધરાવતા વિસ્તારોમાં શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અવસર રથ ઉપર “હું વોટ કરીશ” નો સંકલ્પ લઇ ગ્રામજનોએ સહી કરી આગામી ચૂંટણીમાં ચોક્કસ મત આપવાનો સંકલ્પ લીધો હતો.
આ ઉપરાંત ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગમાં વિવિધ સ્થળોએ સ્વીપ કાર્યક્રમ થકી મતદાર જાગૃતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે અંગે આયોજન કરવામા આવ્યું હતું. જેમાં તાજેતર વિવિધ સ્થળોએ ગ્રામજનોને EVM-VVPAT નિદર્શન તેમજ સ્થાનિક બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાનનું મહત્વ જણાવી તમામ લોકો મતદાન કરે તે માટે સમજુતી આપવામાં આવી હતી.
અત્રે નોંધનિય છે કે, તા.13-11-22ના રોજ અવસર રથ વ્યારા મત વિસ્તારોમાં કાનપુરા-3, પાનવાડી-2, વ્યારા-19, વ્યારા-18, વ્યારા-12, ઉંચામાળા-6, ઉંચામાળા-5, ઉંચામાળા-7 મતદાન મથકો ખાતે અવસર રથ ભ્રમણ કરશે.
આ પ્રસંગે મામલતદારશ્રી સોનગઢ અને નિઝરનાંઓએ અવસર રથ સાથે કાર્યક્રમના સ્થળે હાજરી આપી મતદારોને આગામી ચુંટણીમાં અચુક મતદાન કરવા અપીલ કરી હતી. સ્થાનિક BLO, નોડલ ઓફિસરો, એફ.પી.એસ. સંચાલક, એમ.ડી.એમ. સંચાલક, આંગણવાડી કાર્યકરો, તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ સેવકો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો/મતદારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
૦૦૦૦૦૦૦૦