ઓલપાડનાં ભાંડુત ગામનાં સ્પોર્ટમેન ધર્મેશ પટેલને દિલ્હી ખાતે ડોક્ટરની ડિગ્રી એનાયત
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની ધર્મેશ પટેલે આજરોજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, દિલ્હી ખાતે ડોક્ટરની ડિગ્રી મેળવી ગામ અને તાલુકાનું નામ રોશન કર્યું હતું. ડો.રામાવતર (એડવોકેટ ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા) નાં વરદ હસ્તે ધર્મેશ પટેલને ડોક્ટર તરીકે સર્ટીફીકેટ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ધ ગ્રેટ ખલી એકદમીનાં રેશલર દિવ્યા આલેએ પણ તેમને મોમેન્ટો આપી અભિનંદન પાઠવ્યા હતાં.
ઓલપાડ તાલુકાની દરિયાઈ પટ્ટીનાં છેવાડાનાં ભાંડુત ગામનાં વતની અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય શિક્ષક ધર્મેશ પટેલે અનેક કિ.મી.સાયકલિંગ કરી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. જેનાં પગલે તેમણે તળપદા કોળી પટેલ સમાજ, શિક્ષણ જગત સહિત ભાંડુત ગામનું ગૌરવ વધારતા અભિનંદનને પાત્ર બન્યા છે.
તેમણે આ સિદ્ધિ મેળવતા આનંદ અને ગૌરવ સાથે એક વાતચીતમાં જણાવ્યું હતું કે મેરેથોન અને સાયકલિંગમાં હું ૧૦ વર્ષની બાલ્ય અવસ્થાથી શોખ ધરાવું છું. દેશનાં નાગરીકોને જાગૃત કરવા માટે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા મને જેણે સપોર્ટ આપ્યો છે તે દરેક વ્યક્તિ કે સંસ્થા મારા માટે વંદનીય છે. તેમની આ ઉપલબ્ધિને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી ઉપરાંત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ શિક્ષક ગણે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.