પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર ,વ્યારા ખાતે માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલની અધ્યક્ષતામાં ખેડૂત દિન-વ-ડાંગર પાક પરિસંવાદ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા અને આત્મા-પ્રોજેક્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨/૧૦/૨૦૨૨ના રોજ ખેડુત દિન-વ-ડાંગર પાક પરિસંવાદ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં કુલ ૪૦૦ થી વધુ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો .
કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. ઝેડ. પી. પટેલ, માન. કુલપતિશ્રી, ન. કૃ. યુ., નવસારીએ ખેડૂતો માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તાર આધારિત કરવામાં આવતા વિવિધ સંશોધનો તેમજ ખેડૂતલક્ષી કાર્યો વિશે અવગત કરી ખેત ઉત્પાદનો વધારવા પ્રોત્સાહિત કર્યા હતા. તાપી જિલ્લામાં કાર્યરત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલ ડાંગરની ર્વિવિધ જાતોના મહત્વ વિશે માર્ગદર્શિત કર્યા હતા. કેવીકે-તાપી દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓની સરાહના કરી હતી. વિસ્તરણ ક્ષેત્રે કેવીકે-તાપી દ્વારા અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ગૃહ ઉદ્યોગોની તાલીમ થકી મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાની કામગીરીને બિરદાવી હતી.
ડૉ. એન. એમ. ચૌહાણ, માન. વિસ્તરણ શિક્ષણ નિયામક, ન.કૃ.યુ., નવસારીએ કૃષિ ક્ષેત્રે ઉત્પાદનો વધારવા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવતી સંકલિત ખાતર વ્યવસ્થાપન પદ્ધતિનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. વધુમાં ડૉ. ચૌહાણએ કેવીકે-તાપી દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ લક્ષી QR કોડ ના ઉપયોગ વિશે સમજાવી કેવીકે-તાપીના વિવિધ વિસ્તરણ કાર્યોને બિરદાવ્યા હતા.
ડૉ. વી.પી.પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક, પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા દ્વારા ઉપસ્થિત મહેમાનોના શબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. વધુમાં તેમણે પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા દ્વારા બહાર પાડવામાં આવેલ ડાંગરની ખેડૂત ઉપયોગી જાતો વિશે સમજણ આપી હતી. ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે-વ્યારાએ ખેડૂતો સુધી નવીન ટેકનોલોજીઓ પહોંચાડવા માટે કરવામાં આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમો વિશે ખેડૂતોને અવગત કર્યા હતા. વધુમાં તેમણે તાપી જિલ્લામાં મશરૂમની ખેતીના અવકાશ વિશે માહિતી આપી હતી.
ડૉ. પી. બી. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા ડાંગરની વહેલી પાકતી જાતો, મધ્યમ પાકતી જાતો અને મોડી પાકતી જાતો વિશે સમજણ આપવામાં આવી હતી તથા તેમાં આવતી સમસ્યાઓને નિવારવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. ડી. એ. ચૌહાણ, સહ સંશોધન વૈજ્ઞાનિકએ કઠોળ પાકો જેવા કે પાપડી, તુવેર, મગ, વાલ અને અડદની જાતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી. એન. જી. ગામીત નાયબ ખેતી નિયામક, સુરત દ્વારા ડાંગરની નવી સંશોધિત અને પ્રચલિત જાત દેવલીકોલમ વિશે ખેડૂતોને માહિતી આપી હતી. હતા.ડૉ. કેદારનાથ કુશ્વહા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ), ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ભૂતપૂર્વ સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રીઓ ડૉ. એચ. ડી. મહેતા અને ડૉ. પી. પી. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શનો પણ ગોઠવવામાં આવેલ હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક(પાક ઉત્પાદન) દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ શ્રી મહેન્દ્ર ચૌધરી, ખેતી અધિકારી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other