વ્યારા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ” દિશાની ” બેઠક યોજાઇ
પ્રશાસન અને પદાધિકારીઓ એકબીજાના પુરક છે આપણે એકમેકના સહકારથી નાગરિકોનો વિકાસ કરવાનો છે.:-સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
…………….
તાપી જિલ્લો હંમેશા પોતાની કામગીરીમાં મોખરે જ રહ્યો છે તાપી જિલ્લા વહિવટી તંત્રની સરાહના કરતા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
…………….
માહિતી બ્યુરો વ્યારા-તાપી તા.07: તાપી જિલ્લાના સેવાસદનના ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ “ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ” દિશા”ની બેઠકમાં ઉપસ્થિત સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રશાસન અને પદાધિકારીઓ એકબીજાના પુરક છે આપણે એકમેકના સહકારથી નાગરિકોનો વિકાસ કરવાનો છે. તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ વિવિધ યોજનાઓ, તથા પાણી પુરવઠા, સિંચાઇ, આરોગ્ય, રેલવે ક્રોસિંગ, આઇસીડીએસ, વિજપુરવઠા, ટેલિકોમ, રેલ્વે અને હાઇવે વિભાગની કામગીરીની વિગતવાર ચર્ચા કરી વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી સુચનો કર્યા હતા.
તેમને પદાધિકારીઓની રજુઆતો માટે જે-તે વિભાગના અધિકારીશ્રીઓને કામગીરી યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જીઓ ટેગીંગની કામગીરી અંગે બંધ થયેલ લીંકને ફરી ઓપન કરાવવા રાજ્યકક્ષાએ રજુઆત કરશે એમ ખાતરી આપી હતી. તેમણે સરગવાના ઝાડની મેડીશનલ વેલ્યુ વધારે હોઇ ખેતીવાડી વિભાગ અને કેવીકેના સહકારથી જિલ્લામાં વધુમાં વધુ સરગવાના ઝાડને ખેડૂતો ઉગાડે તે માટે જાગૃત કરવા જણાવ્યું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત વધુમાં વધુ નાગરિકોને સહાય મળે અને ઉદ્યોગ સાહસિક બને તે માટે મદદરૂપ થવા સુચનો કર્યા હતા.
અંતે તેમણે ભારત સરકારની બીએસએનએલના નવા ટાવરો ઉભા કરવાની યોજનામાં તાપી જિલ્લાના 68 ટાવરો મંજુર થયેલા છે. આ કામને તાકીદે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સાંસદશ્રીએ પેન્ડીંગ રહેલ યોજનાકિય કામોને ઝડપથી પુરા કરવાનું જણાવી સબંધિત અધિકારીઓને કેટલાક માર્ગદર્શક સુચનો કર્યા હતા. આ બેઠકમાં માહે જુન/સપ્ટેમ્બર- ૨૦૨૨ અંતિત થયેલ ભૌતિક અને નાણાંકિય પ્રગતિ હેઠળના કામોની વિગતવાર સમીક્ષા કરી જરૂરી સુચનો આપ્યા હતા.
કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ સંબંધિત અધિકારીશ્રીઓને ચૂંટણી પહેલા વિવિધ કામોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા અને પ્રગતિ હેઠળના કામો નાની બાબતોના કારણે વિલંબ ના થાય તે અંગે તકેદારી રાખવા સુચનો આપ્યા હતા. તેમણે સાંસદશ્રીના એમપી ગ્રાંટની વહીવટી મંજૂરી મળે તે માટે યોગ્ય પગલા લેવા સંબંધિત વિંભાગને જણાવ્યું હતું. આ સાથે તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા કરેલ ઉચ્ચ કક્ષાની કામગીરી અંગે જણાવતા સાંસદશ્રીને વિવિધ કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. જે અંગે સાંસદશ્રીએ જિલ્લા વહિવટી તંત્રની સરાહના કરતા ઉમેર્યુ હતું કે, તાપી જિલ્લો હંમેશા પોતાની કામગીરીમાં મોખરે જ રહ્યો છે. તેમણે સૌ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. ડી.કાપડિયાએ સંબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. સાથે સાથે ડી.ડી.ઓશ્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અમુક કર્મચારીઓના ત્રણ મહિનાથી બાકી પગારના મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. જે અંગે સાંસદશ્રીએ હકારાત્મક નિર્ણય લઇ દરખાસ્ત મંજુર કરવા અને દિવાળીનો સમય હોવાથી કર્મચારીઓને શક્ય હોય તો બોનસ આપવા ઉચ્ચ અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાથે સાંસદશ્રીએ જિલ્લાના હિત માટે હંમેશા તત્પર છે એમ જણાવી માંડલ ટોલ નાકાના પ્રશ્ન અંગે, જિલ્લાના 75 અમૃત સરોવરો માટે 5-5 લાખ સીએસઆર ફંડ માટે અને વધુ વરસાદમાં નુકશાન પામેલા નાગરિકોને આવાસ યોજના હેઠળ આવરી લેવા માટે રાજ્ય કક્ષાએ સ્વયં દરખાસ્ત કરવાની જાહેરાત કરી હતી.
બેઠકનું સંચાલન ડીઆરડીએ નિયામકશ્રી આર.રાઠવાએ કર્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા,નગરપાલિકા સભ્યશ્રી સેજલબેન રાણા, તાલુકા અને જિલ્લા કક્ષાએથી આવેલ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા, પીઓ કમ ટીડીઓ વ્યારા દિપ્તી રાઠોડ, સોનગઢ ટીડીઓશ્રી વસાવા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦