લોક સંસ્કૃતિ અને લોકકલાઓના સંરક્ષણ હેતુ એનસીઇઆરટીના ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન, ભોપાલની ટીમે તાપી જિલ્લાની મુલાકાતે

તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં જઈ લોક કલાકારો સાથે મળી લોકવાદ્યોની જાણકારી મેળવી
………..
અહેવાલ- નિનેશ ભાભોર (સહાયક માહિતી નિયામક), ૦૬ :- ગુજરાત રાજ્યના પ્રાચીન અને દુર્લભ લોકવાદ્યોની જાત-માહિતી મેળવીને એનું ડીજીટલાઇઝેશન કરી, લોક સંસ્કૃતિ અને લોકકલાઓના સંરક્ષણ હેતુ એનસીઇઆરટીના ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન, ભોપાલ દ્વારા એક ટીમ હાલ સમગ્ર રાજ્યમાં અંતરિયાળ વિસ્તારો ખૂંદી રહી છે. જે તા. ૨૯ સપ્ટેમ્બરથી ડાંગ જિલ્લાના દુર્લભ લોકવાદ્યોની માહિતી મેળવીને તા. ૧ ઓક્ટોબરે તાપી જિલ્લાની પણ મુલાકાત લીધી હતી..
તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં જઈને ટીમે લોક કલાકારોને મળીને તેમના પરંપારિક લોકવાદ્યોની વિગતે જાણકારી મેળવી હતી. જેમાં વ્યારા, ધામોદલા, કહેર, વાલોડ જેવા ગામોમાં કલાકારોની મુલાકાત લીધી હતી. ભોપાલ NCERT ની ટીમ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, દીવ-દમણ અને દાદરાનગર હવેલીનું પ્રતિનિધિત્વ કરે છે. “કલાઓના સ્ત્રોત કેન્દ્ર” અંતર્ગત પશ્ચિમ ભારતની ચિત્રકલાઓ, હસ્તકલાઓ, હસ્તશિલ્પ અને સંગીતકલાઓ વિશે ગહન સંશોધન કાર્ય થઈ રહ્યું છે.સંસ્થાનમાં લોકકલાકારોને આમંત્રિત કરીને લોકકલાઓનું દસ્તાવેજીકરણ,કલા સાથે વિદ્યાર્થીઓને રસ પડે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના લોકવાદ્યો પર જાત માહિતી મેળવીને વિડીયોગ્રાફી સાથે લોકવાદ્યો સાથે સંકળાયેલા સમુદાયોનું સમગ્રતયાં જીવન, લોકસંસ્કૃતિ, લોકબોધ અંગે પણ પ્રશ્નોત્તરી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આધુનિક સમયમાં પશ્ચિમના આધુનિકીકરણ રોક મ્યુઝિયમ, ડીજેનું ઘોંઘાટીયું સંગીત અને પૉપ સંગીત સામે આપણી ભવ્ય ધરોહર સમી અને સંગીતવાદ્યોની પરંપરા પ્રત્યે જાગૃતિ આવે એ આશયથી રાષ્ટ્રિય કક્ષાએ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ટીમે ફિલ્ડ વિઝિટ દરમિયાન ચૌધરી સમુદાયના દેવ ડોવરી, તારપુ, દેવ લાકડી, ડોવરું, ઝાંઝ, ઘાંગડી જેવાં આદિવાસી લોકવાદ્યોનો પરિચય કર્યો હતો.
તાપી જિલ્લાના પ્રસિદ્ધ લોક મર્મજ્ઞ અને કલાકારશ્રી અરવિંદભાઈ ચૌધરીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચૌધરી લોકોના વાદ્યો પૈકી દેવ ડોવરી,ડોવરૂ એ નૈસર્ગિક સંપત્તિઓ દુધી,વાંસ,તાડના પાન,મોરના પીંછા વિગેરેની મદદથી બનાવવામાં આવે છે.ખાસ કરીને ચૌધરી લોકો દેવપૂજા અને લગ્ન તથા મરણની વિધિ તેમજ આનંદ પ્રમોદ માટે વગાડે છે. એક અલગ પ્રકારના સંગીતથી ચૌધરી લોકો આ વાદ્ય વગાડીને પ્રસન્નતા વ્યક્ત કરે છે.
સમગ્ર કાર્યક્રમ એનસીઇઆરટી,ભોપાલના પ્રાધ્યાપક ડો. સુરેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યો છે. ટીમ સાથે કેમેરામેન શેખ અકરમ, પ્રોડ્યુસર સુશ્રી ગૌરાંગી મિશ્રા, સહાયક શ્રી ધર્મેન્દ્ર મેવાડે સેવાઓ આપી રહ્યા છે. પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, ડાયેટ તાપીના શ્રી પાલસીંગભાઈ તથા અનેક લોકવાદ્યના કલાકારોનો આ સંશોધન કાર્યમાં સહયોગ મળ્યો હતો. આ સંશોધન અને સર્વે પછી દરેક લોકવાદ્યો કલાકારોને ભોપાલ ખાતે પોતાની કલાને પ્રદર્શિત કરવાનું પણ આયોજન કરેલ છે. ટૂંકમાં આપણી કલાસંસ્કૃતિ અને ભવ્ય ધરોહરને સુરક્ષિત કરવા એનસીઇઆરટીના આ કાર્યને ઉત્કૃષ્ટ અભિગમ સાથે પ્રેરક ગણી શકાય.
૦૦૦૦૦૦