વ્યારા ખાતે “નશાબંધી સપ્તાહ” અને “વન્ય જીવ સપ્તાહ” નુ ઉદઘાટન કરવામાં આવ્યુ
( પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨ જી ઓકટોબર ૧૫૩ મી ગાંધી જયંતિ નિમિતે “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર, અધિક્ષક, નશાબંધી અને આબકારી – તાપી જિલ્લા અને ગુરૂકૃપા સેવામય ટ્રસ્ટ, વ્યારા, જિ. તાપીના સહયોગથી “નશાબંધી સપ્તાહ” અને “વન્ય જીવ સપ્તાહ” રથનુ ઉદઘાટન કરવાનું આવ્યુ હતુ આ રથ તા. ૦૨-૧૦-૨૨ થી તા. ૦૮-૧૦-૨૨ સુધી તાપી જીલ્લાના અલગ અલગ ગામો માં ફરી જન જાગૃતિ કરશે.
કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એચ.કે.વઢવાણિયા, કલેકટર, તાપી તથા અન્ય મહાનુભાવો એ આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સુતરની આંટી અર્પણ કરી શરૂઆત કરવામાં આવી. ત્યાર બાદ લોકોને પ્રેરણા મળે તે માટે કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાને પોતાના પ્રર્વચનમાં જણાવ્યું હતું કે આપણો દેશ દેવોની, અર્પણની અને તર્પણની ભૂમિ છે. આપણે સૌએ ગાંધીજીના ચિંધ્યા માર્ગે ચાલવાનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશને વિશ્વગુરૂ તરફ લઈ જવાનું આહવાન કર્યું છે. ત્યાર બાદ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર સહિત સમગ્ર દેશમાં પૂજ્ય મહાત્માજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આપણે ગૌરવશાળી છીએ. ગાંધીજીના સત્ય,અહિંસા, અને આત્મનિર્ભરતા જેવા આદર્શોને જીવંત રાખીએ અને ભાવી પેઢી સુધી લઈ જઈએ. ગાંધીજીનું મુખ્ય સૂચન હતું કે નશાથી દુર રહીએ ત્યારે આજની પેઢી તમામ પ્રકારના નશાથી દુર રહી તાપી જિલ્લાને નશાથી મુક્ત કરવા કલેકટરશ્રી વઢવાણિયાએ અનુરોધ કર્યો હતો. સાથે સાથે આપણાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગૃતિ લાવી કુદરતની ઈકો સિસ્ટમને સમતોલ કરીએ. પશુપંખીઓ તથા વન્ય જીવોની ભાગીદારી ખૂબ મહત્વની છે.
શ્રી એચ.કે.વઢવાણિયા, કલેકટર- તાપી, વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા તથા કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાનના વરદ હસ્તે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને થેલી, નોટબુક અને બોલપેન આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોગેશભાઇ પટેલ, તાપી જિલ્લા સંકલનકાર “NGC” કાર્યક્રમ “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર, અધિક્ષક, નશાબંધી અને આબકારી – તાપી જિલ્લાથી હસમુખભાઇ ચૌધરી, કેયુરભાઇ કાચવાલા, રાજુભાઇ રાણા, હેમંત્ભાઇ તરસાડીયા, ગુરુકૃપા સેવામય ટ્રસ્ટના મંત્રી સુરેખાબેન પટેલ તથા સ્ટાફ, અને ગામજનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નાગરિકોએ નશાબંધી માટે પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રને મજબૂત બનાવવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ શ્રી એચ.કે.વઢવાણિયા, કલેકટર- તાપી અને વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણાએ લીલી ઝંડી આપી “નશાબંધી પ્રચાર પ્રસાર” અને “વન્ય જીવ સપ્તાહ” રથનું પ્રસ્થાન કરાવ્યું.
આ કાર્યક્રમનુ સંચાલન ગુરુકૃપા સેવામય ટ્રસ્ટના શ્રી વિજયભાઇ ચૌહાણે કર્યુ હતુ.