તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અન્વયે ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી
દેશનું ભવિષ્ય એવા નાના ભુકલાઓને અવનવી પ્રવૃતિઓના માધ્યમ દ્વારા સ્વચ્છતાની શીખ આપવામાં આવી
………………………
માહિતી બ્યુરોઃ તાપી તા.24: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” દેશ વ્યાપી ઝુંબેશમાં તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે દેશનું ભવિષ્ય એવા નાના ભુકલાઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના સુગમ સંકલન થકી શાળા કક્ષાએ અવનવી પ્રવૃતિના માધ્યમ દ્વારા બાળકોને સ્વચ્છતાની શીખ આપવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં પ્રાથમિક શાળા ટીચકપુરા, પ્રા.શાળા લખાલીના બાળકોને સ્વચ્છતાલક્ષી માહિતી આપી, હેન્ડવોશ ડેમોસ્ટ્રેશન અને સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છિંડીયા ગામના સરપંચશ્રી અને ગ્રામજનો દ્ધારા PHC સેન્ટરની આજુબાજુ સામુહિક સાફસફાઈની કામગીરી કરી ગામને સ્વચ્છ રાખવાનો સરાહનિય પ્રયાસ કરવામા આવ્યો હતો.
જ્યારે ડોલવણ તાલુકાના પીપલવાડા ગામે આંગણવાડી કેન્દ્ર -૧ માં સ્વચ્છતાલક્ષી માહિતી જેમાં જમ્યા પહેલાં અને જમ્યા પછી હેન્ડવોશ કરાવવા અંગે, ખોરાક બનાવતી અને અનાજ સાફ કરતી વખતે સ્વચ્છતા રાખવા અંગે, વાસણો સાફ રાખવા, રમકડાં ચોખ્ખા રાખવા વગેરે બાબતો અંગે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સ્ટાફ દ્વારા આંગણવાડી કાર્યકરો સાથે ચર્ચા કરી જાગૃત કરવામાં આવ્યા હતા.
આ સાથે સાંકળી પ્રા.શાળા ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ સ્વચ્છતા અંગેના સંદેશને કલાત્મક રીતે રજુ કર્યો હતો. જિલ્લાના છેવાડાનો તાલુકા કુકરમુંડા ખાતે પણ આ ઝુંબેશમાં સક્રિય રીતે ભાગીદારી નોંધાઇ રહી છે. કુકરમુંડાના કોરાલા ગામની પ્રાથમિક શાળા તથા બહુરુપા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગ્રામજનો પણ સામેલ થયા હતા.
00000000000