મતદારીયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ અંતર્ગત તાપી જિલ્લાના બે વિધાનસભા મતદાર મંડળોમાંથી અત્યાર સુધી કુલ 1,22,395 ફિઝિકલ અરજીઓ મળી
(માહિતી બ્યુરો,વ્યારા –તાપી) તા.22 ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨’ હેઠળ મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧લી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે મતદારીયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે તાપી જિલ્લામાં તા.21 ઓગસ્ટ 2022 (રવિવાર), તા.28 ઓગસ્ટ 2022 (રવિવાર), તા. 4 સપ્ટેમ્બર 2022(રવિવાર) અને તા.11 સપ્ટેમ્બર 2022 (રવિવાર)ના દિવસોને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ-૨૦૨૨’ અંતર્ગત ખાસ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગ રૂપે તાપી જિલ્લામાં સમાવિષ્ટ બે-વિધાનસભા મતદાર મંડળમાંના મતદાન મથકો ઉપર બી.એલ.ઓ.ઓફિસર દ્વારા નવા મતદારોની નોંધણી સહિત નામ ઉમેરવું, રદ્દ કરવું, સરનામું બદલવા જેવી સુધારા-વધારાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં તા.11/09/2022 સુધીમાં મળેલા કુલ ફિઝીકલ અરજીઓની વિગતનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.જે અનુસાર વ્યારા (ST), નિઝર (ST) વિધાનસભા મતદાર મંડળમાં અત્યાર સુધીમાં ફોર્મ નંબર-૦૬, ૬-ખ, ૭ અને ૮ ના અત્યાર સુધીના કુલ 1,22,395 અરજીઓ મળી છે.
ઉપરોક્ત કાર્યક્રમ સંદર્ભે તાપી જિલ્લામાં સમાવિષ્ટ 2 વિધાનસભા બેઠકોમાં ૧૭૧ વ્યારામાં ૨૬૦ BLO અને ૧૭૨ નિઝર સીટમાં ૩૪૫ BLO છે. આમ કુલ 604 મતદાન મથકોએ તા. 11 સપ્ટેમ્બર સુધી બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદારયાદીમાં નામ દાખલ માટે ફોર્મ નં. 6, નામ કમી માટે ફોર્મ નં. 6-ખ, નામ સુધારા માટે ફોર્મ નં. 7 અને આધાર લીંક માટે ફોર્મ નં. 8 ભરાવવામાં આવ્યા હતા.
તાપી જિલ્લામાં ફોર્મ નં.6 અત્યાર સુધી મળેલ કુલ 8022 , ફોર્મ નં. 6-ખ અત્યાર સુધી મળેલ કુલ 1,04,114, ફોર્મ નં.7 કુલ 3855 અને ફોર્મ નં. 8 કુલ 6404 એમ મળીને અત્યાર સુધી કુલ 1,22,395 અરજીઓ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત BLO દ્વારા ઓનલાઇન એન્ટ્રી કરેલ અરજીઓ એટલે કે ઓનલાઇન કુલ 68,806 અરજીઓ મળી હતી.
આ મતદારીયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, ઈ.ચા.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાગર મોવાલિયા, તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી તથા મદદનીશ નોંધણી અધિકારીશ્રી દ્વારા જિલ્લાના કૂલ-604 વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યુ હતું.
00000000