તાપી જિલ્લામાં “આત્મનિર્ભર મહિલા કિસાન પખવાડા” કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો સાથે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજાયો

(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા. 21 તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત “મિશન મંગલમ યોજના”માં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અવિરત અને અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. હાલ જિલ્લામાં “આત્મનિર્ભર મહિલા કિસાન પખવાડા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે સ્વસહાય જૂથની બહેનોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી ખેતીના નિષ્ણાંત રાકેશભાઈ પ્રાકૃતિક ખેતીથી થતાં લાભો વિશે વિસ્તાપૂર્વક માહિતી આપી હતી. મિશન મંગલમના આસિસ્ટન્ટ મેનેજર સંદિપ ચૌધરી દ્વારા NRLMની યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રાકૃતિક ખેતી નિષ્ણાંત શ્રી જયેશભાઈ પટેલ દ્વારા પોતાના અનુભવો જણાવી સૌ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા લાઈવલિહુડ મેનેજર શૈલેષ ગામીત સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનોએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અપનાવવા તૈયારી દર્શાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આઝાદીના અમૃત વર્ષની ઉજવણીને અનુલક્ષીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના તમામ ગામદિઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાના રાજ્યવ્યાપી અભ્યાનમાં તાપી જિલ્લાના તમામ ગામો સહિત ડોલવણ તાલુકાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો તાલુકા બનાવવાના સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જેને સાર્થક કરવા જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીઓ સહિત ગામના આગેવાનો જોડાયા છે અને આ પ્રકારના કાર્યક્રમ દ્વારા સરાહનિય કામગીરી કરી રહ્યા છે.
0000000