તાપી જિલ્લાના 1071 સ્વસહાય જુથોને રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે અંદાજીત 12 કરોડ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યા
રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
…………………
ગુજરાતને વિશ્વના ફલક ઉપર લઇ જવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીન સરકાર કરી રહી છે.: રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી
…………………
(માહિતી બ્યુરો,વ્યારા,તાપી) 17: “વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત આજે તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ.શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપતિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાપી જિલ્લાના 1071 સ્વસહાય જુથોને અંદાજીત 11.99 કરોડ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી રાજ્ય મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ આપણા દુરંદેશી સ્વપ્નદ્રષ્ટા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભકામના પાઠવતા સૌને જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આજે વિશ્વાસથી વિકાસ યાત્રા દરમિયાન તાપી જિલ્લાના કુલ ૨૪૧ સ્વસહાય જુથોને ૬૦.૬૮ લાખ રૂપિયાના રીવોલ્વીંગ ફંડની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં કૂલ 1,071 સ્વસહાય જુથોને અંદાજીત રૂપિયા 11.99 કરોડના ફંડ આપવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં મહિલાઓ આર્થીક રીતે સધ્ધર બની રહી છે. જેનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને તેઓના માર્ગદર્શન હેઠળ સુચારુ સંચાલન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓની સક્રિય ભાગીદારીને ફાળે જાય છે. તેમણે મહિલાઓને સંબોધતા ઉમેર્યુ હતું કે, આપ સૌ પગભર બનો તેવી ભાવના સાથે વર્તમાન સરકાર અસરકારક પગલા લઇ રહી છે.
ગુજરાતને વિશ્વના ફલક ઉપર લઇ જવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીન સરકાર કરી રહી છે ત્યારે ગુજરાત દરેક ક્ષેત્રે હરણ ફાળ ભરે તેના માટે સૌનો સાથ જરૂરી છે.
વધુમાં તેમણે બોર્ડર વિલેજ ડેવલપમેન્ટ યોજના, કિશાન સન્માન નિધી યોજના, સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ તમામ નાગરિકો રોજગાર મેળવવા સક્ષમ બને તે માટે સરકારશ્રી દ્વારા લેવાયેલ અનેકવિધ પગલાઓ અને યોજનાઓ અંગે જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાએ બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવાની જવાબદારી આપણા સૌની છે. આજથી 20 વર્ષ પહેલાના ગુજરાત અને આજના ગુજરાતની પરિસ્થિતીમાં ફરક આપણે સૌ જોઇ અને અનુભવી શકીએ છીએ. આજે ગુજરાત વિજળી, પાણી, શિક્ષણ જેવી માળખાગત સુવિધાઓ અને અન્ય વિવિધ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. અંતે તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાત રાજય મહિલાઓને સશક્ત બનાવવા કટીબધ્ધ છે.
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દ્વારા મહિલાઓના ઉત્થ્થાનની વિશેષ કાળજી લેવામા આવી છે. પંચાયતની ચૂંટણીમાં 50 ટકા અનામત, સરકારી ભરતીમાં મહિલાઓને અનામત એ વર્તમાન સરકારની દેન છે. તેમણે વિવિધ યોજના અને ખાસ કરીને બહેનોને ખાસ પ્રોત્સાહન આપતી યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી તેનો લાભ લેવા આગ્રહ કર્યો હતો.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કુલ-9783 સખી મંડળો નોંધાયેલ છે. જેમાંથી 7669 જુથો હાલ એક્ટીવ છે. જેમાં કૂલ- 84172 મહિલાઓ સંકળાયેલ છે. કૂલ-230 જુથોને કૂલ-219.50 લાખ સી.આઈ.એફ આપેલ છે. તેમણે વધુમાં આજના કેશ ક્રેડિટ કેમ્પ હેઠળ કુલ-241 સખી મંડળોને રૂપિયા 60.68 લાખના રિવોલ્વીંગ ફંડ ચેકો અને 600 જુથોને 919.75 લાખના કેશ ક્રેડિટ લોન અર્પણ કરાઇ છે. આમ જિલ્લામાં કૂલ 1,071 સ્વસહાય જુથોને અંદાજીત રૂપિયા 11.99 કરોડના વિવિધ ફંડ આપવામાં આવ્યા છે. જેના માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે સખીમંડળો દ્વારા કરવામાં આવતી વિવિધ ઉત્કૃષ્ટ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જિલ્લામાં કૂલ 1,071 સ્વસહાય જુથોને અંદાજીત રૂપિયા 11.99 કરોડના ધિરાણના ચેકો એનાય કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. આભાર દર્શન ડી.આર.ડી.એ નિયામકશ્રી અશોક ચૌધરી દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત, કારોબારી અધ્યક્ષ મોહન કોંકણી, બાંધકામ સમિતિના અધ્યક્ષ નિતિન ગામીત, રીજનલ મેનેજર બરોડા ગુજરાત ગ્રામિણ બેન્ક અનુપ ભદ્રા, ચીફ મેનેજર બરોડા બેન્ક વિનય પટેલ, લીડબેંક મેનેજર પ્રવિણભાઇ, બરોડા આરસેટી નિયામક ઉમેશ ગર્ગ, મહિલા મોરચાના અધ્યક્ષ સુનિતા ગામીત સહિત વિવિધ તાલુકામાંથી આવેલ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી-કર્મચારીશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦