તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટરશ્રી આર. જે.વલવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ
અકસ્માતોના નિવારણ માટે નિયમોનું પાલન કરવા અપીલ કરતા નિવાસી અધિક કલેકટરશ્રી આર. જે.વલવી
…………………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.17- તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક આજરોજ નિવાસી અધિક કલેકટરશ્રી આર. જે.વલવીના અધ્યક્ષ સ્થાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.પટેલ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દિનેશ ચૌધરી, નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાઈ હતી.
તાપી જિલ્લામાં માર્ગ અને સલામતિ અંગે જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી આર. જે.વલવીએ બેઠકની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં અકસ્માતોના નિવારણ માટે શક્ય એટલા સક્રિય પગલાઓ લઈ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે સબંધિત અધિકારીશ્રીઓએ જોવાનું રહેશે. વ્યારા અને સોનગઢ ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાય તે માટે ચીફ ઓફિસરશ્રીઓએ વાહન પાર્કિંગની સુવિધાઓ તેમજ સર્વિસ રોડ ઉપર થઈ રહેલા દબાણો દુર કરી રસ્તો ખુલ્લો રાખવાના રહેશે. જેથી રાહદારીઓ કે વાહન ચાલકોને અગવડ ન પડે અને અકસ્માતો નિવારી શકાય. વ્યારા અને સોનગઢમાં રખડતા પશુઓથી થતા અકસ્માતો નિવારીએ શકાય તે માટે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું. વધુમાં ભારે વરસાદને પગલે સ્ટેટ અને પંચાયતના માર્ગ તથા નેશનલ હાઇવેના રસ્તાઓને થેયેલ નુકશાનને વહેલી તકે રિપેરિગ કરવા સંબધિત અધિકારીઓને સુચન કર્યું હતુ. તેમજ જન જાગૃતિ તથા પ્રચાર-પ્રસાર કરવા તમામ વિભાગોને અનુરોધ કર્યો હતો. જિલ્લાના તમામ નાગરિકોને અકસ્માત નિવારણ માટે નિયમોનું પાલન કરવા નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીના જાહેર અપીલ કરી હતી.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દિનેશ ચૌધરીએ છેલ્લા ત્રણ માસ દરમિયાન માર્ગ અકસ્માત, મૃત્યુ, ઈજાના આંકડાનું અવલોકન, પોલીસ અને આર.ટી.ઓ.સંયુક્ત વિઝિટ, એન્ફોર્સમેન્ટ ઓફ લો, રોડ એન્જીનીયરીંગ સબંધિત મુદ્દાઓ, જન જાગૃતિ પ્રચાર-પ્રસાર, એન.એચ.૫૩ ઉપર યુ ટર્ન વિગેરે અંગેનો અહેવાલ રજુ કર્યો હતો.
માર્ગ અને સલામતિની આ બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા, કાર્યપાલક ઈજનેરશ્રી મનીષ પટેલ, પ્રાંત અધિકારીશ્રી વ્યારા આર.સી.પટેલ, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ ચૌધરી, ટ્રાફિક ઓફિસર શ્રી સી.જે.પુવાર સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦