તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
આયોજનમાં લીધેલ તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પરીપૂર્ણ કરવા તાકીદ કરતા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા
……………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.17: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ચુંટણીની જાહેરાત થનાર છે ત્યારે સંકલનના તમામ અધિકારીઓએ જવાબદારી પૂર્વક ચુંટણી કમીશન અને જિલ્લા ચુંટણી વિભાગ દ્વારા માંગવામાં આવતી વિગતો અને ડેટા એન્ટ્રીઓ સમય મર્યાદામાં પરીપૂર્ણ કરવી. આ ઉપરાંત આયોજનમાં લીધેલ તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સુચનો આપ્યા હતા. વધુમાં તેમણે વિવિધ વિભાગોને ગાંધીનગરના માહિતી નિયામકની કચેરી દ્વારા તૈયાર કરેલ સંબંધિત યોજનાઓના હોર્ડીંગ્સને યોગ્ય સ્થળે લગાવવા અને નાગરિકોને યોજનાકિય જાણકારી આપવા કેટલાક સુચનો કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયાએ વાસ્મો વિભાગ દ્વારા કેટલાક બાકી રહેલા નળ કનેકશન અંગે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઇલ ટાવરની કનેક્ટીવીટી માટે બીએસએનએલ વિભાગને તથા દર વર્ષે ઓવર ટેપ થતા કોઝ્વેની વિગતો લઇ જે-તે સ્થળે બ્રિજ બનાવવા દરખાસ્ત તૈયાર કરવા આર.એન.બી વિભાગને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
આ બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓ, સરકારી નાણાની વસુલાત, એ.જી.ઓડીટ બાકી પેરાની માહિતી, કચેરીમાં આવતા પડતર કાગળોની સ્થિતી, પેન્શન કેસો અંગે વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ડી.વાય.એસ.પી શ્રી જાડેજા, માર્ગ મકાનના કા.પા.ઇ મનિષ પટેલ, પ્રાંત અધિકારી વ્યારા આર.સી.પટેલ અને નિઝર પ્રાંત જયકુમાર, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, જિલ્લા ગ્રામ નિયામક અશોક ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦