નિઝર, ઉચ્છલ અને કુકરમુંડા તાલુકાના વિકાસ કાર્યો અંગે સમિક્ષા બેઠક લઇ પ્રગતિ હેઠળના કામોની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) : તા.12: આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા તથા જિ.પં.પ્રમુખ સુરજ વસાવાના અધ્યક્ષસ્થાને નિઝર પ્રાંત વિસ્તારના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકાના પદાધિકારીશ્રી અને સરપંચશ્રીઓ સાથે લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક પ્રશ્નો જેવા કે વરસાદી પાણીનાં નિકાલ, આંગણવાડીના બાંધકામ, PMAY આવાસ, એસ. ટી. બસની સુવિધા, બોર્ડર વિલજનાં ગામો કોઝવેના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય સમિતિના ચેરમેન સોનલબેન પાડવી દ્વારા અંતુલી ગામ ખાતે મોબાઈલ ટાવરની માંગણી અંગે, બોર્ડર વિલેજના આવાસો અને પીએમએવાય આવાસોની ફાળવણી અંગે, તલાટી મંત્રીની ખાલી જગ્યા ભરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. સેવાલી નદી ઉપર વેલ્દા ખાતે કોઝવે બનાવી ગ્રામજનોને કનેક્ટિવિટીની સુવિધા આપવા અંગે, નિઝર થી કુકરમુંડા અને નિઝર થી ઉચ્છલ જતી બસનો સમય વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ કરવાનો નક્કી કરવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક લોકો તથા ખેડૂતો દ્વારા રજુ કરાયેલા પ્રશ્નો અંગે ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચનો આપવામાં આવ્યા હતા. 15માં નાણાપંચ હેઠળ વિવિધ વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ડી.ડી.ઓશ્રીએ સરપંચશ્રીઓને ખાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પંચાયત મહાસંમેલનમાં સૂચવવામાં આવેલ મુદ્દાઓની ચર્ચા કરી હતી. જેમાં ગામમાં સ્વચ્છતા અંગે, ગૌચરમાં વનીકરણ બાબતે, 75 વૃક્ષો વાવી અમૃતવન બનાવવા અંગે, શાળાના સ્થાપના દિનની ઉજવણી અંગે, પોષણ અભિયાન હેઠળ પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર બિનચૂક અપાય તે માટે ખાસ તકેદારી રાખવા સુચનો કર્યા હતા.
બેઠક બાદ સબંધિત અધિકારીઓ સાથે નિઝર ગામના તળાવોની મુલાકાત કરી સિંચાઈ વિભાગ અને મનરેગા અંતર્ગત નિર્માણાધિન અમૃત સરોવરોને રમણીય સ્થળ તરીકે વિકસાવવા અને વેલ્દા ગામની ખાતે સેવાલી નદી ઉપર બે કોઝવે બનાવવાની રજૂઆત બાબતે સ્થળ મુલાકાત લઇ વહેલી તકે હકારાત્મક નિકાલ લાવવા જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિઝર પ્રાંત જય કુમાર, મામલતદારશ્રી ગુલાબસિંહ વસાવા, ઉચ્છલ મામલતદાર આર.આર.વસાવા, ટીડીઓશ્રી જૈમિની પટેલ, ટીડીઓ કુકરમુંડા બી.ટી.પટેલ, ઉચ્છલ ટીડીઓ ધ્રુવ પટેલ સહિત સરપંચશ્રીઓ તથા વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000000