તાપી જિલ્લા : નિઝર પ્રાંત “વિશ્વાસ થી વિકાસ યાત્રા
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના હસ્તે નિઝર પ્રાંતમાં કુલ ૮.૯૯ કરોડના કુલ ૩૬૪ કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું
……………………
વિકાસની હરોળમાં સમાજ ક્યાંય પાછળ ન રહી જાય તેની ચિંતા સરકારે કરી છે : જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા
……………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૨- તાપી જિલ્લાના નિઝર(એપીએમસી) ખાતે પ્રાંત કક્ષા “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમનો પ્રારંભ આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા,તાલુકા પ્રમુખ દક્ષાબેન વસાવાની ઉપસ્થિતમાં કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમને ખૂલ્લો મુકતા જણાવ્યું હતું કે સરકારે છેલ્લા બે દાયકામાં વિકાસના અઢળક કાર્યો કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આપણું ગુજરાત,આગવુ ગુજરાત બનાવવા માટે ભાગલાવાદી નીતિ દુર કરી ઉદાર ભાવના સાથે ૧૪ જિલ્લાના ૯૪ લાખ આદિવાસી વિસ્તારમાં વિજળી,પાણી,સિંચાઈ,મેડિકલ કોલેજો,જંગલ જમીન,શૈક્ષણિક ઉત્થાન,આરોગ્ય સહિત અનેક સુવિધાઓ આપી છે. વિકાસની હરોળમાં સમાજ ક્યાંય પાછળ ન રહી જાય તેની ચિંતા સરકારે કરી છે.આજે કુલ ૮.૯૯ કરોડના ૩૬૪ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં તંત્ર રાત દિવસ કામ કરી રહ્યું છે. શિક્ષિતોને રોજગાર,સિંચાઈની સુવિધા,વંચિતોના વિકાસ માટે તાપી નદીનું પાણી આદિવાસી લોકો સુધી પહોંચે તે માટે ૯૬૨ કરોડની ઉદવહન સિંચાઈ યોજના પ્રગતિમાં છે. જિલ્લા પ્રમુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સરપંચો,સહકારી આગેવાનો કેન્દ્ર અને રાજ્યની યોજના જે લોકો વંચિત છે તેમના માટે કામ કરવાનું છે. તમામ લોકોને સાથે લઈને દિવ્ય અને ભવ્ય ગુજરાત બનાવવા હાકલ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા વીસ વર્ષમાં થયેલા વિકાસની જન જન સુધી પ્રતિતિ કરાવવા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ શરૂ કરાયો છે. જેનો હેતુ વિવિધ સામુહિક અને વ્યક્તિગત યોજનાઓ લોકોને પીવાના પાણી,રસ્તા,સિંચાઈ,આરોગ્ય વિગેરે ના લાભ છેવાડાના માનવી સુધી આપે છે. નિઝર તાલુકામાં ૨૦૨ લાખના ૧૦૯ કામોનું લોકાર્પણ,૧૫૪ લાખના ૨૨ કામોનું ખાતમુહુર્ત, કુકરમુંડામાં ૧૫૯ લાખના ૯૭ કામોનું લોકાર્પણ,૧૪૫ લાખના ૪૭ કામોનું ખાતમુહુર્ત,ઉચ્છલમાં ૬૬ લાખના ૫૩ કામો ઇ-લોકર્પણ અને ૧૭૪ લાખના 36 કામોનું ખાતમુહુર્ત આમ મળીને કુલ ૪૨૫ લાખના ૨૫૯ કામોનું લોકાર્પણ તેમજ ૪૭૪ લાખના ૧૦૫ કામોની મંજૂરી મળી છે તેનું ખાતમુહુર્ત કરાયું છે.
નિઝર પ્રાંત અધિકારીશ્રી જે.કે.રાવલે સ્વાગત પ્રવચન કર્યુ હતું અને આભારવિધિ ઉચ્છલ મામલતદારશ્રી આર.આર.વસાવાએ કર્યું હતુ.
આ પ્રસંગે અધ્યક્ષશ્રી,જા.આ.સ.,જિ.પં.તાપી, સોનલબેન પાડવી, , જિ.પં.તાપી સભ્યશ્રી વર્ષાબેન પાડવી, અધ્યક્ષશ્રી,ક.ખે.ઉ.સ.સ.જિ.પં.તાપી કુસુમબેન વસાવા પ્રમુખશ્રી,તા.પં.નિઝર દક્ષાબેન વસાવે, રાહુલભાઈ ચૌધરી દંડકશ્રી જિ.પં.તાપી, અધ્યક્ષશ્રી,સા.ન્યા.જિ.પં.તાપી મસુદા નાઈક, નિઝર,કુકરમુંડા, ઉચ્છલના મામલતદારશ્રીઓ તથા ટી.ડી.ઓ શ્રીઓ ,સરપંચશ્રીઓ,મોટી સંખ્યામાં ગ્રામજનો,ખેડુતો, સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
0000000