ઓલપાડનાં કરંજ ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૈવિધ્યપૂર્ણ 75 વાનગીઓનો પ્રસાદરૂપ “છપ્પનભોગ” ગણેશજીને ધરાવાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હિંદુઓનાં ઉપાસ્યદેવતા ગણપતિને કેન્દ્રમાં રાખીને ભારતભરમાં ઉજવાતો સાર્વજનિક ઉત્સવ એટલે ગણેશોત્સવ. ગણપતિ બુદ્ધિદાતા, વિઘ્નહર્તા દેવ છે એવી શ્રદ્ધા લોકોમાં રૂઢ થયેલી છે. લોકમાન્ય ટિળકની પ્રેરણા અને પહેલથી 1893 માં પુણેમાં ગણેશોત્સવને સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપ આપવામાં આવ્યું. આ ઉત્સવને સામાજિક એકતા તથા રાજકીય જાગૃતિનું પ્રખર સાધન બનાવવામાં આવ્યો. ભારતીય પ્રજાને સમાન મંચ પર સંગઠિત કરી રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવા ઉપરાંત દેશની આઝાદીની લડતને પ્રોત્સાહન આપવાનું મહત્વનું કાર્ય સાર્વજનિક ગણેશોત્સવોએ હાંસલ કર્યું હતું જે વાતથી સૌ સુવિદિત છે.
જાતિ, ધર્મ કે સંપ્રદાયનાં વાડાને બાજુમાં મૂકી સામાજિક એકતાનાં ભાવ સાથે ઓલપાડ તાલુકાનાં છેવાડાનાં કાંઠા વિસ્તાર સ્થિત કરંજ ગામે સાર્વજનિક ગણેશોત્સવ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાય રહ્યો છે. ગામનાં પ્રવેશદ્વારે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થાનિક યુવક મંડળ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ છે. જ્યાં ગામનાં નાનાથી લઈ મોટા દરેક વર્ગનાં સ્ત્રી પુરુષો સવાર સાંજ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરે છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાનાં કારણે સ્થગિત ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કે અન્ય મનોરંજક કાર્યક્રમોનું આયોજન ચાલુ વર્ષે વિવિધ ગામોમાં કે શહેરોમાં જોવા મળી રહ્યું છે ત્યારે અહીંના યુવા અગ્રણીઓ દિલીપ પટેલ, ચેતન પટેલ, ભાર્ગવ પટેલ, કેનીલ પટેલ, આકાશ પટેલ તથા રોનક પટેલ સહિતનાં યુવકોએ અનોખી રીતે રાષ્ટ્ર ધર્મને ઉજાગર કર્યો. તેમની ટહેલથી ભક્તજનો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૈવિધ્યપૂર્ણ 75 વાનગીઓનો પ્રસાદરૂપ “છપ્પનભોગ” નો રસથાળ દુંદાળાદેવને ધરાવવામાં આવ્યો. ભક્તિભાવ દેશદાઝ અને સામાજિક એકતાનો ત્રિવેણી સંગમ રચી આ યુવક મંડળે મુળભૂત રીતે ગણેશોત્સવ સાર્થક કર્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other