વલસાડની દેગામ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક અશ્વિન ટંડેલ ધ મોસ્ટ એનરજેટિક એથ્લેટ તરીકે સન્માનિત
(પ્રતિનિધિ દ્વારા, વલસાડ) : સયાજીરાવ ગાયકવાડની રજવાડી નગરી વડોદરા ખાતે લક્ષ્મી વિલાસ પેલેસ નજીક રાષ્ટ્રીય કક્ષાની ગુજરાત ત્રાયેઠલેટ્સ આયોજિત અર્જુન ટ્રાયથલોન અને એકવાથોન યોજાઈ હતી. આ સ્પર્ધા અંતર્ગત એક સ્પર્ધકે સ્વીમીંગ ૧૫૦૦ મીટર + સાયકલિંગ ૪૦ કિમી અને તરત પછી ૧૦ કિમી રનીંગ કરવાની રહે છે. સ્પ્રિન્ટ કેટેગરીમાં અનુક્રમે ૭૫૦ મીટર સાયકલિંગ + ૨૦ કિમી રન અને તરત બાદ ૫ કિમી રન કરવાનું રહે છે.
સમગ્ર રાષ્ટ્ર કક્ષાએથી નોંધાયેલ ૧૦૦ સ્પર્ધકો પૈકી વલસાડ જેવાં નાનકડા જિલ્લામાંથી ૩૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી રન એન્ડ રાઇડર ગૃપ ૧૩ સુરતનાં સહસંચાલક તેમજ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા, દેગામનાં ઉપશિક્ષક અશ્વિનકુમાર ટંડેલે આ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધી તરીકે ભાગ લઈ ધ મોસ્ટ એનરજેટિક એથ્લેટ તરીકે સન્માન મેળવેલ છે. તેમણે આ સમગ્ર પ્રવૃત્તિઓ સ્વીમીંગ + સાયકલિંગ + રનીંગ ૧ કલાક ૪૦ મિનિટમાં પૂર્ણ કરી સમગ્ર શિક્ષક સમાજનું નામ ઉજાગર કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને નીત નવીન પ્રવૃત્તિઓ કરાવી તેમણે રાજ્ય કક્ષાએ શિક્ષણ સચિવ વિનોદ રાવનું ખાસ પ્રોત્સાહન મેળવેલ છે. તેઓ માત્ર કોઈ એક રમતગમત ક્ષેત્રે જ નહીં પરંતુ બહુવિધ ક્ષેત્રે પકડ જમાવી પોતાનાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમાન બની રહેવા કટિબદ્ધ બન્યા છે.