ખાડીપૂરનો કાયમી ઉકેલ ન આવે તો ભૂખ હડતાળ કરાશે
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સ્માર્ટ સિટી સુરત દર વર્ષે ખાડીપૂર સાથે ઝઝૂમી રહ્યું છે. 150થી વધુ સોસાયટીના અસરગ્રસ્તો પાસે હવે વિરોધ સિવાય કોઈ વિકલ્પ નથી. મીઠીખાડી પૂરના કાયમી નિરાકરણ માટે શનિવારે પર્વતપાટિયા ખાતે 300 રહીશોની જાહેરસભા યોજાઈ હતી. તેમનું કહેવું હતું કે, આશ્વાસન જ મળે છે. ઉકેલ નહીં. માધવબાગ બ્રિજ તોડ્યા પછી પણ ઉકેલ નથી.
ચૂંટણી આવે ત્યારે નેતાઓ ખાતરી આપીને જતાં રહે છે. હવે ટેન્ડરની વાત કરાઇ છે. ખાડી પૂરનો કાયમી ઉકેલ લેખિતમાં આપો માંગ કરાઈ હતી. આગામી દિવસોમાં 2-2 સભ્યોની ફરી મિટિંગ બોલાવાઈ છે. આ સાથે જ અસરગ્રસ્તોનુ એક પ્રતિનિધિ મંડળ સી.આર.પાટિલને પણ મળ્યું હતું. પાલિકા કમિશનરને રજૂઆત બાદ પણ જો નિરાકરણ નહીં આવે તો રહીશોએ ભૂખ હડતાળનો કડક કાર્યક્રમ શરૂ કરવાની ચીમકી આપી છે.