નિઝર દૂધ મંડળી ખાતે સહકારી આગેવાન સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કરતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
સરકારશ્રી દ્વારા સહકાર ક્ષેત્રે મેળવેલ સિધ્ધિઓ માટે ખેડૂતો અને પશુપાલકો ધન્યવાદને પાત્ર: પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
…………………….
2001 થી 2022 સુધી મંડળીમાં દૂધ ભરતા 300થી વધુ સભાસદોને પ્રભારી મંત્રીશ્રીના હસ્તે ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
…………………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૦૩: તાપી જિલ્લાના નિઝર તાલુકાના દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સંસ્થાપક અને સહકારી આગેવાન સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, 50 વર્ષ પહેલા જે વ્યક્તિને આ વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોના હિતમાં વિચાર કર્યો હતો એવા સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કરતા આનંદની લાગણી અનુભવ કરી રહ્યો છું. આ મંડળી સાથે સંકળાયેલ તમામ સંસ્થાપકોએ તેઓના આગેવાનને બહુમાન આપ્યુ છે. જે નિઝરના તમામ નાગરિકો માટે ગર્વની બાબત છે. તેમણે સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલના પત્નિ ગંગાસ્વરૂપા વનિતાબેનને ખાસ આભાર વ્યક્ત કર્યો હતો કે, દરેક પતિની સફળતા પાછળ તેઓના પત્નિનો સાથ હોય છે. વનિતાબેનના સહકારથી જ સ્વ.શ્રીપતભાઇ આ ઉમદા કાર્યમાં જોડાઇ શક્યા એમ ઉમેર્યું હતું. વધુમાં તેમણે સરકારશ્રી દ્વારા સહકાર ક્ષેત્રે મેળવેલ સિધ્ધિઓ માટે ખેડૂતો અને પશુપાલકોને ધન્યવાદ પાઠવી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નિઝર તાલુકાના નાગરિકો આ વિસ્તારને શિક્ષણ, દૂધમંડળીની ભેટ આપનાર અને સામાજિક આગેવાન એવા સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલના ઋણી રહેશે. શ્રીપત દાદાના માર્ગદર્શન હેઠળ નિઝર તાલુકામાં સહકાર થી સમૃધ્ધિનો અભુભવ કરી શક્યા છે.
સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંકના ચેરમેનશ્રી નરેશ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી છુટુ પડતા આ વિસ્તારના પશુપાલકોના ઉત્થાન માટે દૂધ મંડળીની સ્થાના સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલ દ્વારા વર્ષ 1971માં થઇ હતી. શ્રીપત દાદા શિક્ષણ માટે આગ્રહ રાખતા જેના કારણે આજે પ્રાથમિક શાળાથી લઇ ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા નિઝર તાલુકામાં છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી અંગે સૌને અવગત કર્યા હતા.
સુરત જિલ્લા સહકારી મંડળીના ચેરમેનશ્રી જયેશભાઇ દેલાડે આ પ્રસંગે “જય જવાન જય કિશાન અને જય વિજ્ઞાન”ના નારા સાથે 50 વર્ષ પહેલા નિઝર તાલુકામાં સહકારી પ્રવૃતિ શરૂ કરનારા સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલની ખેડૂતોના ઉધ્ધાર માટેની દીર્ઘ દ્રષ્ટી માટે તેઓ સદાય વંદનિય રહેશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્વ.શ્રીપતભાઇ ગુલાલભાઇ પટેલના પુત્ર અને સુરત જિલ્લા સહકારી મંડળીના ડિરેક્ટરશ્રી સુનિલભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, નિઝર દૂધ મંડળીની સ્થાપનાના 50 વર્ષ પુરા થતા આ સંસ્થા અને નિઝર એપીએમસી માર્કેટના ગોલ્ડન જ્યુબલી વર્ષની ઉજવણીમાં સહભાગી થવા અને તેને સફળ બનાવવા તમામ સભાસદો અભિનંદનને પાત્ર છે. સભાસદોનું કલ્યાણ થાય તે ઉદ્દેશ્યથી આ સંસ્થાની સ્થાપના થઇ હતી જે આજે સાર્થક થઇ છે.
કાર્યક્રમમાં 2001 થી 2022 સુધી દરરોજ મંડળીમાં દૂધ ભરતા 300થી વધુ સભાસદ ભાઇ-બહેનોને પ્રભારી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આભાર દર્શન ગીરીશભાઇ પટેલે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પના પટેલે કર્યું હતું.
આ પ્રસંગે સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત, નિઝર દૂધ મંડળીના ચેરમેન સુભાષ પટેલ્ એપીએમસી નિઝર ચેરમેન યોગેશ રાજપુત સહિત તાલુકાના વિવિધ મંડળીના ચેરમેન અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000