સિવિલમાં MBBSના વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરાયો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ;-નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થી પર તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીએ હોસ્ટેલમાં બ્લેડ વડે હુમલો કરી દેતા વિદ્યાર્થીને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડાયો હતો. દાહોદનો 18 વર્ષીય આદિત્ય પવાર સુરત નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસમાં અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં ગણેશ સ્થાપના કરાઈ હોવાથી બુધવારે ગણેશ આગમન યાત્રામાં જોડાયા બાદ આદિત્ય હોસ્ટેલમાં પરત ફર્યો હતો અને ન્હાવા માટે જવાની તૈયારી કરતો હતો. દરમિયાન તેની સાથે અભ્યાસ કરતો અને પ્રથમ વર્ષ એમબીબીએસનો વિદ્યાર્થી હર્ષવર્ધન હરસિધ્ધીએ આદિત્યના બન્ને હાથ પર બ્લેડ વડે ઉપરાછાપરી 6 ઘા ઝીંક્યા હતા. જેથી તેને સારવાર માટે સાથી વિદ્યાર્થીઓ ટ્રોમા સેન્ટર લઈ આવ્યા હતા. અગાઉ કેન્ટીનમાં સામાન્ય બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હોય તેના કારણે હર્ષવર્ધને હુમલો કર્યો હોવાની શક્યતા આદિત્યએ વ્યકત કરી હતી.