ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બાળકોમાં પ્રાથમિક કક્ષાએથી જ નેતૃત્વનાં ગુણ વિકસે તેમજ તેઓ લોકશાહી શાસન પદ્ધતિથી સુવિદિત થાય એ શુભ હેતુસર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી.
શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી ધર્મિષ્ઠા પટેલનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં ધોરણ 6 થી 8 નાં બાળકોએ મહામંત્રી, ઉપમંત્રી સહિતનાં વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી કરી હતી. સૌ ઉમેદવારોએ પોતપોતાની આગવી શૈલીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. મતદાર બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
અંતમાં મત ગણતરી બાદ પરિણામ જાહેર થતાં મહામંત્રી તરીકે ધોરણ 8 નો વિદ્યાર્થી સમીર રાઠોડ વિજેતા જાહેર થયો હતો. જ્યારે ઉપમંત્રી તરીકે ધોરણ 8 ની વિદ્યાર્થીની ક્રિષ્ના રાઠોડ તથા સહમંત્રી તરીકે ધોરણ 7 નો વિદ્યાર્થી ભાવેશ રાઠોડ વિજેતા ઘોષિત થયા હતાં.
ચૂંટણી પ્રક્રિયામાં રોનક રાઠોડે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે સેવા બજાવી હતી. જ્યારે યક્ષિતા રાઠોડ, જય રાઠોડ તથા સેલિના રાઠોડે પોલીંગ ઓફિસર તરીકે કામગીરી બજાવી હતી. શાળાનાં આચાર્ય રમેશ પટેલ તથા સ્ટાફગણે વિજેતા બાળકોને શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.